સતત 3 કલાક વરસાદ બાદ ભૂસ્ખલન થતાં હાહાકાર, ઉત્તરકાશીમાં 50 જેટલાં પરિવારોએ કરી 'હિજરત'
Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગલ વારે રાત્રે સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. આવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘર છોડીને બહાર દોડી ગયા હતા.
વરુણાવત પર્વત પર ફરી ભૂસ્ખલન શરુ
વરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા હતા. મસ્જિદ મોહલ્લા જલ સંસ્થાન કોલોની અને ગોફિયારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો હતો.
50 પરિવારોએ સલામત સ્થળે આશરો લીધો હતો
લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય થઈ ગયું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રઝા અબ્બાસ, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમાર તિવારી, તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો: ભાજપ શાસિત આ રાજ્યમાં ફરી હિંસાનો દોર શરૂ, ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગચાંપી ગોળીબાર કર્યો
21 વર્ષ પછી ભૂસ્ખલન ફરી સક્રિય
વરુણાવત પર્વત અસી અને વરુણા નદીઓ વચ્ચે આવેલું છે. વરુણાવત પર્વત પૌરાણિક મંદિર અને પંચકોસી વારુણી યાત્રા માટે પ્રખ્યાત છે. વર્ષ 2003માં અહી વિનાશક ભૂસ્ખલન થયું હતું. તે સમયે પર્વત પર મસ્જિદ વિસ્તાર સહિત ગોફિયારા વિસ્તાર, તંબાખાની રોડ અને ભટવાડી રોડ પરની અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારબાદ મોટી વસ્તીને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી. હવે લગભગ 21 વર્ષ બાદ વરુણાવત પર્વત પર ફરી ભૂસ્ખલન થવાના કારણે લોકો ફરી ડરી ગયા છે.