શરિયત પર સમજૂતી નહીં, આદિવાસી બહાર તો મુસ્લિમ અંદર કેમ? UCC અંગે જમીયત લડાયક મૂડમાં
મદનીએ દાવો કર્યો કે બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી છે પણ સમાન નાગરિક સંહિતા (UCC) મૌલિક અધિકારોનું હનન કરે છે.
image : Youtube |
Jamiat Ulema-e-Hind on UCC | ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કૉડ (UCC) અંગે ચર્ચા શરૂ થઇ ગઈ છે. આ દરમિયાન મુસ્લિમ સંગઠનોએ અત્યારથી જ બિલનો વિરોધ શરૂ કરી દીધો છે. દહેરાદૂનમાં આ બિલ સામે દેખાવો પણ કરાયા. જમીયત-એ-ઉલેમા-એ-હિન્દે આ મામલે કહ્યું કે મુસ્લિમો એવા કોઈપણ કાયદાને નહીં સ્વીકારે જે શરિયતની વિરુદ્ધ હશે.
શું કહ્યું જમીયત-એ-ઉલેમા-એ-હિન્દે?
જમીયત-એ-ઉલેમા-એ-હિન્દે આ બિલમાંથી આદિવાસીઓને મુક્તિ આપવાનો હવાલો આપતાં કહ્યું કે જો આ કાયદાથી આદિવાસી સમુદાયને અલગ રાખી શકાય તો બંધારણ હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતાના આધારે લઘુમતીઓને પણ આ કાયદાના દાયરાથી અલગ રાખવામાં આવે.
મૌલાના અરશદ મદનીએ નિવેદન જાહેર કર્યું?
આ મામલે જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમે એવા કોઈપણ કાયદાને સ્વીકારવાના નથી જે શરિયતની વિરુદ્ધ હોય કેમ કે એક મુસ્લિમ દરેક વસ્તુ જોડે સમજૂતી કરી શકે છે પણ તે શરિયત અને ધર્મ પર ક્યારેય સમજૂતી નહીં કરે. તેમણે સવાલ કર્યો કે, '' જો બંધારણની એક કલમ હેઠળ અનુસૂચિત જનજાતિઓને આ કાયદાના દાયરાથી બહાર રાખવામાં આવી શકે તો નાગરિકોના મૌલિક અધિકારોને માન્યતા આપતી બંધારણની કલમ 25 અને 26 હેઠળ મુસ્લિમોને ધાર્મિક સ્વતંત્રતા કેમ ન આપી શકાય? મદનીએ દાવો કર્યો કે બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી છે પણ સમાન નાગરિક સંહિતા (UCC) મૌલિક અધિકારોનું હનન કરે છે.