ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો, વિધાનસભામાં UCC બિલ પાસ, કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે

UCC બિલ પસાર કર્યા પહેલા CM ધામીએ કહ્યું કે, ‘દેશના અન્ય રાજ્યોએ પણ તે દિશામાં આગળ વધવું જોઈએ’

રાજ્યપાલ દ્વારા યુસીસીને ઔપચારિક મંજૂરી અપાયા બાદ રાજ્યના તમામ લોકો પર સમાન કાયદો લાગુ થઈ જશે

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો, વિધાનસભામાં UCC બિલ પાસ, કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે 1 - image

Uniform Civil Code Bill : ઉત્તરાખંડે ઈતિહાસ રચ્યો છે. બુધવારે વિધાનસભા સત્રમાં ચર્ચા બાદ સમાન નાગરિક સંહિતા એટલે કે UCC ધ્વનિમત સાથે પાસ થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરાખંડ સમાન કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ યુસીસીનો પ્રસ્તાવ પાસ થયા પહેલા કહ્યું કે, આપણા બંધારણ બનાવનારાઓએ જે સ્વપ્ન જોયું હતું, તે જમીન પર ઉતરી હકીકત બનવા જઈ રહ્યું છે. અમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ. દેશના અન્ય રાજ્યોએ પણ તે દિશામાં આગળ વધવું જોઈએ. બિલ પાસ થયા બાદ ભાજપ કાર્યાલયે મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યપાલની મંજૂરી બાદ UCC કાયદો બની જશે

યુસીસી બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ સાથે મોકલવામાં આવશે. રાજ્યપાલની ઔપચારિક મંજૂરી મળ્યા બાદ યુસીસી કાયદો બની જશે અને રાજ્યના તમામ લોકો પર સમાન કાયદો લાગુ થઈ જશે. જોકે અનુસૂચિત જનજાતિ (ST)ના લોકો પર જોગવાઈ લાગુ થશે નહીં. ગોવામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે, પરંતુ ત્યાં પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.

UCCમાં સામેલ કેટલાક મહત્ત્વની જોગવાઈઓ

  • લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. કલમ-6 હેઠળ લગ્નની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. નોંધણી ન કરાવવા બદલ રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકારાશે.
  • કોઈપણ પુરુષ કે મહિલાના લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ જ તેઓ છૂટાછેડા માટે કોર્ટમાં જઈ શકશે, અન્યથા ત્યાં સુધી નહીં જઈ શકે.
  • લગ્ન ભલે કોઈપણ ધાર્મિક પ્રથા હેઠળ લગ્ન કરાયા હોય, પરંતુ છૂટાછેડા માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ થશે.
  • કોઈ પણ વ્યક્તિ બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે કોર્ટે છૂટાછેડાનો નિર્ણય આપ્યો હોય અને કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈપણ અધિકાર બાકી ન રહ્યો હોય.
  • કાયદાની વિરુદ્ધ લગ્ન કરવા પર છ મહિનાની જેલ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવા પર ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
  • પુરુષ અને મહિલા બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે બંનેના પાર્ટનરમાંથી કોઈ એક જીવીત ન હોય.
  • મહિલા અથવા પુરુષ લગ્ન બાદ અન્ય સાથે શારીરિક સંબંધો બાંધે, તો આ તેને છૂટાછેડાનો આધાર બનાવી શકે છે.
  • જો કોઈએ નપુંસકતા અથવા જાણી જોઈને બદલો લેવા માટે લગ્ન કર્યા છે, તો આવી સ્થિતિમાં તેઓ છૂટાછેડા લેવા કોઈપણ કોર્ટમાં જઈ શકે છે.
  • જો પુરુષે કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોય અથવા લગ્ન બાદ મહિલા કોઈ અન્ય વ્યક્તિથી ગર્ભવતી બની હોય તો આવી સ્થિતિમાં છૂટાછેડા લેવા કોર્ટમાં અરજી કરી શકાય છે. જો મહિલા અથવા પુરુષમાંથી કોઈપણ ધર્મપરિવર્તન કરે છે તો તેને છૂટાછેડાની અરજીનો આધાર બનાવી શકાય છે.
  • સંપત્તિ મામલે મહિલા અને પુરુષનો સમાન અધિકાર હશે, તેમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરાશે નહીં. આ ઉપરાંત વિલ અને વારસાને લગતા ઘણાં પ્રકારના નિયમો પણ સામેલ છે.

મુસ્લિમ સમુદાયમાં ઈદ્દત જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાશે

યુસીસીની અન્ય જોગવાઈઓ મુજબ આ કાયદો લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં બહુવિવાહ પર પ્રતિબંધ મુકાશે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે તેમની માહિતી આપવી ફરજિયાત કરાશે તેમજ તેમના માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી કરાશે. આવા સંબંધોમાં રહેતા લોકોએ તેમના માતા-પિતાને આ અંગે માહિતી આપવી પડશે. દરેક લગ્નો માટે નોંધણી ફરજિયાત કરાશે. પ્રત્યેક લગ્નની નોંધણી સંબંધિત ગામ, કસ્બામાં કરાશે અને નોંધણી વિનાના લગ્ન અમાન્ય ગણાશે. મુસ્લિમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર મળશે અને તેની પ્રક્રિયા સરળ હશે. મુસ્લિમ સહિત દરેક ધર્મોની છોકરીઓને પિતાની વારસાઈ સંપત્તિમાં સમાન અધિકાર મળશે. મુસ્લિમ સમુદાયમાં ઈદ્દત જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાશે.

પતિ-પત્ની વચ્ચે વિવાદના સંજોગોમાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને અપાશે

પતિ અને પત્ની બંનેને તલાકની પ્રક્રિયા સુધી સમાન પહોંચ પ્રાપ્ત થશે. નોકરીયાત પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ-પોષણની જવાબદારી પત્ની પર આવશે અને તેને વળતર અપાશે. પતિના મૃત્યુના સંજોગોમાં પત્ની પુનર્વિવાહ કરે તો તેને મળેલા વળતર માતા-પિતાને પણ આપવું પડશે. પત્નીનું મોત થઈ જાય અને તેના માતા-પિતાનો કોઈ આધાર ના હોય તો તેમની સારસંભાળની જવાબદારી પતિ પર રહેશે. પતિ-પત્ની વચ્ચે વિવાદના સંજોગોમાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને અપાઈ શકે છે. બાળકોની સંખ્યા નિશ્ચિત કરવા સહિત વસતી નિયંત્રણ માટે જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.

વિધાનસભામાં UCC બિલ રજૂ કરાતા જ વિપક્ષોનો હોબાળો

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડની મુખ્યમંત્રીએ ગઈકાલે મંગળવારે વિધાનસભામાં UCC બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતી વખતે 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા. યુસીસી પર ચર્ચાની માગને લઈને વિધાનસભામાં વિપક્ષે હોબાળો કરતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ આજે વિધાનસભા સત્ર દરમિયાન બિલ પાસ કરી દેવાયું છે. હવે બિલ રાજ્યપાલ સમક્ષ મોકલાશે ત્યારબાદ કાયદો બની જશે.

યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી  નહિ. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહિ. 

ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં UCC લાગુ

ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ગોવા સિવિલ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત તમામ ધર્મો અને જાતિઓ માટે એક જ ફેમિલી લો છે. આ કાયદા હેઠળ ગોવામાં કોઈ ટ્રિપલ તલાક આપી શકે નહીં. તેમજ નોંધણી વિના લગ્ન કાયદેસર રીતે માન્ય રહેશે નહીં. લગ્નની નોંધણી પછી છૂટાછેડા ફક્ત કોર્ટ દ્વારા જ થઈ શકે છે. મિલકત પર પતિ અને પત્નીનો સમાન અધિકાર છે. આ સિવાય માતા-પિતાએ પોતાના સંતાનોને ઓછામાં ઓછી અડધી મિલકતનો માલિક બનાવવો પડશે, જેમાં દીકરીઓ પણ સામેલ છે. ગોવામાં, મુસ્લિમોને ચાર લગ્ન કરવાનો અધિકાર નથી, જ્યારે હિંદુઓને અમુક શરતો સાથે બે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં યુનિફોર્મ સિવિલ કોડ ક્યાં લાગુ કરવામાં આવ્યો છે?

વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તૂર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઈજીપ્ત જેવા ઘણા દેશોના નામ સામેલ છે. યુરોપમાં એવા ઘણા દેશો છે, જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે, જ્યારે ઇસ્લામિક દેશો શરીયા કાયદાનું પાલન કરે છે.


Google NewsGoogle News