ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ હિન્દુ-મુસ્લિમો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાના કાયદા એકસમાન

ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાયેલ UCC બિલના ડ્રાફ્ટમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ સહિતના મુદ્દા સામેલ

લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા લેનાર અને લગ્નની નોંધણી ન કરાવનાર વિરુદ્ધ UCCમાં દંડની જોગવાઈ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ હિન્દુ-મુસ્લિમો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાના કાયદા એકસમાન 1 - image

ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (CM Pushkar Singh Dhami) વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરી દીધું છે. હવે આ બિલ અંગે વિધાનસભામાં ચર્ચા થશે. ત્યારબાદ મતદાન થશે. આ બિલના ડ્રાફ્ટમાં લગ્નની નોંધણી ફરજિયાત, કાયદાકીય પ્રક્રિયાથી જ છૂટાછેડા સહિતના મુદ્દા સામેલ કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો હોઈ શકે છે, જેનું લક્ષ્ય પારંપરિક રીત-રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિ ખતમ કરવાનું છે. યુસીસીનો સંપૂર્ણ ડ્રાફ્ટ મહિલા કેન્દ્રિત જોગવાઈઓ પર આધારિત હોઈ શકે છે.

યુનિફોર્મ સિવિલ કોડમાં સામેલ કેટલાક મહત્ત્વના નિયમો

  • લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. કલમ-6 હેઠળ લગ્નની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. નોંધણી ન કરાવવા બદલ રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકારાશે.
  • કોઈપણ પુરુષ કે મહિલાના લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ જ તેઓ છૂટાછેડા માટે કોર્ટમાં જઈ શકશે, અન્યથા ત્યાં સુધી નહીં જઈ શકે.
  • લગ્ન ભલે કોઈપણ ધાર્મિક પ્રથા હેઠળ લગ્ન કરાયા હોય, પરંતુ છૂટાછેડા માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ થશે.
  • કોઈ પણ વ્યક્તિ બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે કોર્ટે છૂટાછેડાનો નિર્ણય આપ્યો હોય અને કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈપણ અધિકાર બાકી ન રહ્યો હોય.
  • કાયદાની વિરુદ્ધ લગ્ન કરવા પર છ મહિનાની જેલ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવા પર ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
  • પુરુષ અને મહિલા બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે બંનેના પાર્ટનરમાંથી કોઈ એક જીવીત ન હોય.
  • મહિલા અથવા પુરુષ લગ્ન બાદ અન્ય સાથે શારીરિક સંબંધો બાંધે, તો આ તેને છૂટાછેડાનો આધાર બનાવી શકે છે.
  • જો કોઈએ નપુંસકતા અથવા જાણી જોઈને બદલો લેવા માટે લગ્ન કર્યા છે, તો આવી સ્થિતિમાં તેઓ છૂટાછેડા લેવા કોઈપણ કોર્ટમાં જઈ શકે છે.
  • જો પુરુષે કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોય અથવા લગ્ન બાદ મહિલા કોઈ અન્ય વ્યક્તિથી ગર્ભવતી બની હોય તો આવી સ્થિતિમાં છૂટાછેડા લેવા કોર્ટમાં અરજી કરી શકાય છે. જો મહિલા અથવા પુરુષમાંથી કોઈપણ ધર્મપરિવર્તન કરે છે તો તેને છૂટાછેડાની અરજીનો આધાર બનાવી શકાય છે.
  • સંપત્તિ મામલે મહિલા અને પુરુષનો સમાન અધિકાર હશે, તેમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરાશે નહીં. આ ઉપરાંત વિલ અને વારસાને લગતા ઘણાં પ્રકારના નિયમો પણ સામેલ છે.

મુસ્લિમ સમુદાયમાં ઈદ્દત જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાશે

યુસીસીની અન્ય સંભવિત જોગવાઈઓ મુજબ આ ડ્રાફ્ટ કાયદો બનીને લાગુ થયા પછી ઉત્તરાખંડમાં બહુવિવાહ પર પ્રતિબંધ મુકાશે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે તેમની માહિતી આપવી ફરજિયાત કરાશે તેમજ તેમના માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી કરાશે. આવા સંબંધોમાં રહેતા લોકોએ તેમના માતા-પિતાને આ અંગે માહિતી આપવી પડશે. દરેક લગ્નો માટે નોંધણી ફરજિયાત કરાશે. પ્રત્યેક લગ્નની નોંધણી સંબંધિત ગામ, કસ્બામાં કરાશે અને નોંધણી વિનાના લગ્ન અમાન્ય ગણાશે. મુસ્લિમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર મળશે અને તેની પ્રક્રિયા સરળ હશે. મુસ્લિમ સહિત દરેક ધર્મોની છોકરીઓને પિતાની વારસાઈ સંપત્તિમાં સમાન અધિકાર મળશે. મુસ્લિમ સમુદાયમાં ઈદ્દત જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાશે.

પતિ-પત્ની વચ્ચે વિવાદના સંજોગોમાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને અપાશે

યુસીસીની અન્ય સંભવિત જોગવાઈઓ મુજબ પતિ અને પત્ની બંનેને તલાકની પ્રક્રિયા સુધી સમાન પહોંચ પ્રાપ્ત થશે. નોકરીયાત પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ-પોષણની જવાબદારી પત્ની પર આવશે અને તેને વળતર અપાશે. પતિના મૃત્યુના સંજોગોમાં પત્ની પુનર્વિવાહ કરે તો તેને મળેલા વળતર માતા-પિતાને પણ આપવું પડશે. પત્નીનું મોત થઈ જાય અને તેના માતા-પિતાનો કોઈ આધાર ના હોય તો તેમની સારસંભાળની જવાબદારી પતિ પર રહેશે. પતિ-પત્ની વચ્ચે વિવાદના સંજોગોમાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને અપાઈ શકે છે. બાળકોની સંખ્યા નિશ્ચિત કરવા સહિત વસતી નિયંત્રણ માટે જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.

વિધાનસભામાં UCC બિલ રજૂ કરાતા જ વિપક્ષોનો હોબાળો

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડની મુખ્યમંત્રીએ આજે વિધાનસભામાં UCC બિલ રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા. યુસીસી પર ચર્ચાની માગને લઈને વિધાનસભામાં વિપક્ષે હોબાળો કરતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ આ કાયદો લાગુ થઈ જશે. સાથે ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. 

ગોવામાં UCC પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં

માર્ચ 2022માં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.

યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી  નહિ. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહિ. 

ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં UCC લાગુ

ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ગોવા સિવિલ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત તમામ ધર્મો અને જાતિઓ માટે એક જ ફેમિલી લો છે. આ કાયદા હેઠળ ગોવામાં કોઈ ટ્રિપલ તલાક આપી શકે નહીં. તેમજ નોંધણી વિના લગ્ન કાયદેસર રીતે માન્ય રહેશે નહીં. લગ્નની નોંધણી પછી છૂટાછેડા ફક્ત કોર્ટ દ્વારા જ થઈ શકે છે. મિલકત પર પતિ અને પત્નીનો સમાન અધિકાર છે. આ સિવાય માતા-પિતાએ પોતાના સંતાનોને ઓછામાં ઓછી અડધી મિલકતનો માલિક બનાવવો પડશે, જેમાં દીકરીઓ પણ સામેલ છે. ગોવામાં, મુસ્લિમોને ચાર લગ્ન કરવાનો અધિકાર નથી, જ્યારે હિંદુઓને અમુક શરતો સાથે બે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં યુનિફોર્મ સિવિલ કોડ ક્યાં લાગુ કરવામાં આવ્યો છે?

વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તૂર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઈજીપ્ત જેવા ઘણા દેશોના નામ સામેલ છે. યુરોપમાં એવા ઘણા દેશો છે, જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે, જ્યારે ઇસ્લામિક દેશો શરીયા કાયદાનું પાલન કરે છે.


Google NewsGoogle News