VIDEO: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બદરીનાથ - કેદારનાથ ધામમાં કર્યા દર્શન, મંદિરમાં આપ્યું પાંચ કરોડનું દાન
Mukesh Ambani Visits Badrinath And Kedarnath Dham : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી આજે બદરીનાથ તેમજ કેદારનાથ ધામ પહોંચ્યા હતા, અહીં તેમણે ભગવાનની પૂજા-અર્ચના અને દર્શન કર્યા હતા. આ સાથે તેમણે મંદિરમાં દાન પણ આપ્યું છે.
કેદારનાથ મંદિર સમિતિ દ્વારા અંબાણીનું સ્વાગત કરાયું
કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહેલા બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. અહીં દર્શન કર્યા બાદ તેમણે કેદારનાથ ધામ જઈને દર્શન કર્યા હતા. સમિતિના ચેરમેન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. કમિટીએ આપેલી માહિતી મુજબ ઉદ્યોગપતિએ બંને મંદિરોને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
અંબાણીએ મંદિરમાં વૈદિક પૂજા કરી
મુકેશ અંબાણી સવારે 9.00 વાગે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. અહીં પહોંચતાની સાથે જ તેમણે સીધા મંદિરમાં પહોંચી વેદનો પાઠ અને પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે મંદિર પરિસરમાં દેવી લક્ષ્મીના દર્શન કર્યા હતા. અહીં તેમણે મંદિર સમિતિના અધિકારીઓ તેમજ શ્રદ્ધાળુઓ સાથે ફોટા પડાવ્યા હતા. આ દરમિયાન તેમને સમિતિના અધિકારીઓ દ્વારા ભગવાન બદ્રી વિશાલનો પ્રસાદ ભેટ તરીકે અપાયો હતો.
અંબાણી પરિવાર દર વર્ષે દર્શને જાય છે
સમિતિએ કહ્યું કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે દર વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામ આવતા હોય છે. આ વખતે પણ તેમણે બંને ધામોની મુલાકાત લઈ પૂજા-અર્ચના અને દર્શન કર્યા હતા.