VIDEO: ઉત્તરાખંડમાં વરસાદી આફત, છેક રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા નદીના પાણી

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
VIDEO: ઉત્તરાખંડમાં વરસાદી આફત, છેક રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા નદીના પાણી 1 - image
Image Twitter 

Uttarakhand Weather Update Today: ઉત્તરાખંડમાં ભારે વરસાદે કેર વર્તાવ્યો છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેદાનોથી લઈને પર્વતો સુધી આફત બનીને સતત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ સહિત દેશના ઘણા વિસ્તારો વરસાદ અને પૂરથી ભયંકર રીતે પ્રભાવિત છે. પરંતુ તેમા સૌથી વધારે ઉત્તરાખંડની ખૂબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. 

આખું રેલવે સ્ટેશન પાણીમાં જળબંબોળ

અહીં ઉત્તરાખંડના કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી રહ્યા છે, જ્યારે ઉંચા વિસ્તારના પહાડોમાં તિરાડ પડવાથી સતત ભય સતાવી રહ્યો છે. હલ્દ્વાની ગૌલા નદીએ તમામ સીમા વટાવીને રેલ્વે સ્ટેશન સુધી આવી પહોંચી છે. અહીં આખું રેલવે સ્ટેશન પાણીમાં જળબંબોર થઈ ગયું છે. સ્ટેશનમાં પાણી ભરાવાને કારણે ટ્રેનોના સંચાલન પર ભારે અસર થઈ છે. તો ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

કુમાઉ વિસ્તારમાં છેલ્લા 72 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. પહાડોમાં નદીઓ ઉછાળા મારી રહી છે, તો બીજી બાજુ મેદાની વિસ્તારોમાં તળાવોમાં ફેરવાઈ ગયા છે. હલ્દ્વાનીને અડીને આવેલ લાલકુઆન રેલ્વે સ્ટેશનમાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે અહીં ટ્રેનોનું સંચાલન બંધ કરવાનો વારો આવ્યો છે. હલ્દ્વાની રેલવે સ્ટેશન તરફથી ગૌલા નદી પણ વધી રહી છે. જેના કારણે પ્લેટફોર્મ નંબર 2 જોખમમાં આવી ગયો છે.

હલ્દ્વાની અને કાઠગોદામ પહોંચતી ટ્રેનોને પંતનગર રોકવામાં આવી

કાઠગોદામ, હલ્દ્વાની અને લાલકુઆંથી ચાલતી ટ્રેનો હાલમાં પંતનગર સ્ટેશનથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાલકુઆન થઈને હલ્દ્વાની અને કાઠગોદામ પહોંચતી ટ્રેનોને પંતનગર અને રુદ્રપુર સ્ટેશનો પર રોકવામાં આવી રહી છે. લાલકુઆ સ્ટેશનના 4 પ્લેટફોર્મ વરસાદના પાણીથી ભરાઈ ગયા છે,  જેના કારણે અહીં ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. 

આ ટ્રેનોને હાલમાં રોકી દેવામાં આવી 

હલ્દ્વાનીના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ ચયન રાયના જણાવ્યા અનુસાર, કાઠગોદામથી ચાલતી અને દિલ્હીથી પરત આવતી સંપર્ક ક્રાંતિ સોમવારે રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવી દિલ્હીથી કાઠગોદામ આવતી શતાબ્દી એક્સપ્રેસને પણ રૂદ્રપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. આ સાથે હાવડાથી આવતી બાગ એક્સપ્રેસને રૂદ્રપુર સિટી સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે. રેલવે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સતત આ ભયંકર અને ગંભીર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


Google NewsGoogle News