‘પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવી છે તો ખેર નહીં’, ઉત્તરાખંડ પોલીસની ગાઈડલાઈન
નવી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ
ઉત્તરાખંડ પોલીસે કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં સરકારે તમામ પોલીસ કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, જો કોઈપણ કર્મચારી ડ્યુટી બાદ યુનિફોર્મમાં વીડિયો બનાવશે, તો તેના પર કાર્યવાહી કરાશે. ઉપરાંત ખાનગી એકાઉન્ટ પર કોઈપણ લાઈવ ટેલિકાસ્ટ કરવાનો પણ ઈન્કાર કરી દેવાયો છે.
વિભાગમાં શિસ્તને અસર
ઉત્તરાખંડ પોલીસના વડા અભિનવ કુમારે કહ્યું કે, ‘રાજ્ય સરકાર, પોલીસ હેડક્વાર્ટર, ગૃહમંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ગાઈડલાઈન જારી કરી છે. આપણા ઘણા કર્મચારીઓ ઘણા સમયથી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોલીસનો યુનિફોર્મ પહેરી વ્યક્તિગત પ્રવૃત્તિઓનો પ્રચાર કરી રહ્યા હતા, તેનાથી વિભાગમાં શિસ્તને અસર પડી હતી. આ જ કારણે અમે નવી સોશિયલ મીડિયા ગાઈડલાઈન જારી કરી છે, જેનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.’
‘...તો કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે’
નવી ગાઈડલાઈન મુજબ, હવે કોઈપણ પોલીસ કર્મચારી ડ્યૂટી બાદ યુનિફોર્મમાં કોઈપણ વીડિયો અથવા રીલ સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરી શકે. ઉપરાંત પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, ઓફિસ વગેરેનું નિરીક્ષણ અને પોલીસ કવાયત/ફાયરીંગમાં ભાગ લેવાની બાબતને લાઈવ ટેલિકાસ્ટ કરવી તેમજ આ કામગીરીને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવો ગોપનીયતાનું ઉલ્લંઘન માની કાર્યવાહી કરાશે.