Get The App

કોલકાતા બાદ ઉત્તરાખંડમાં હેવાનિયત, નર્સનું માથું ફોડી દુષ્કર્મ કર્યા બાદ હત્યા, રાજસ્થાનથી પકડાયો આરોપી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
Rape



Uttarakhand Nurse Rape case : ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં કોલકાતા જેવી ઘટના સામે આવી છે. અહીં એક નર્સ પર બળાત્કાર ગુજારી, લૂંટફાટ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. નર્સ 30 જુલાઈથી ગુમ હતી, જે બાદ મૃતકની બહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની તપાસ કર્યા બાદ પોલીસે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

શું છે ઘટના?

હકીકતમાં, ગુમ થયેલી મહિલાનો મૃતદેહ 8મી ઓગસ્ટના રોજ યુપીના બિલાસપુર જિલ્લામાં હાડપિંજર હાલતમાં ઝાડીઓમાં પડેલો મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બળાત્કાર બાદ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમજ મહિલાના ફોનનો EMI નંબર પણ સર્વેલન્સ પર મુકવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ સ્કેન કરતી વખતે, પોલીસે એક શંકાસ્પદ યુવકને જોયો જે તેની પાછળ આવતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં તોડફોડ મામલે ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- ‘વામ અને રામના કાર્યકર્તાઓએ કરી હિંસા’

આરોપીની ધરપકડ

પોલીસ ટીમને સર્વેલન્સથી ખબર પડી કે ફોનના EMI નંબરનું લોકેશન યુપીના બરેલીમાં છે. તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યારે આરોપી અને તેની પત્ની બંને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા, ત્યારબાદ પોલીસે તેમને પકડવા માટે એક ટીમ તૈનાત કરી હતી અને ફોનના લોકેશન પર નજર રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને રાજસ્થાનના જોધપુરમાં આરોપીનું લોકેશન મળતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીએ ઘટનાની ભયાનકતા જણાવી

પૂછપરછ દરમિયાન આરોપી ધર્મેન્દ્રએ પોલીસને ઘટનાની ભયાનકતા જણાવતાં કહ્યું કે, તે છેલ્લા પાંચ-છ મહિનાથી જાફરપુરમાં ઘઉંના કારખાનામાં કામ કરતો હતો. 30 જુલાઈએ તેણે એક મહિલાને અંધારામાં એકલી ચાલતી જોઈ. આ પછી, તેણે તેની બેગ ખાલી જગ્યાએ રાખી અને મહિલાને પકડી લીધી અને તેનું મોઢું દબાવીને ઝાડીઓમાં લઈ ગયો. તે બાદ તેણે મહિલા નર્સ પર બળાત્કાર ગુજારી તેના રૂપીયા, મોબાઇલ અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી લીધી હતી. જ્યારે મહિલાએ અવાજ કરવાનો અને સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેની ઓળખ છુપાવવા માટે તેના ચહેરાને પથ્થરથી કચડી નાખ્યો હતો. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે યાદ અપાવે છે કે સ્વતંત્રતાની કિંમત શું છે: CJI ચંદ્રચૂડ

EMI નંબરની મદદથી આરોપી ઝડપાયો

આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી યુપીના બરેલી ગયો અને મૃતક મહિલાના ફોનમાં તેનું સિમ નાખી ઉપયોગ કરવા લાગ્યો હતો. જે બાદ પોલીસે મહિલાનો ઇએમઆઇ નંબર ટ્રેક કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જે બાદ આરોપી જોધપુર ભાગી ગયો હતો. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેન્દ્રએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News