ઉત્તરાખંડમાં વિહાર કરી રહેલા જૈન મુનિઓ સાથે દુર્વ્યવહાર, લોકોએ વ્યક્ત કર્યો રોષ તો CM પણ એક્શન મોડમાં
Image Source: Twitter
Misbehavior With Jain Monks: ઉત્તરાખંડમાં વિહાર કરી રહેલા જૈન મુનિઓ સાથે દુર્વ્યવહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ઘટનાનું સંજ્ઞાન લેતા મુખ્યમંત્રીએ ઉત્તરાખંડ પોલીસ મહાનિર્દેશકને તમામ તથ્યોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ આ મામલે સબ-ઈન્સ્પેક્ટર દીપક લિંગવાલ ચોકી ઈન્ચાર્જ બછેલીખાલે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં એક યુવક જૈન સમાજના મુનિઓનો તેમના ધર્મ-જ્ઞાતિ સબંધે વીડિયો બનાવતો નજર આવી રહ્યો છે. વીડિયોની સત્યતાની તપાસ થઈ તો વીડિયો તોતાઘાટી વિસ્તારમાં બનાવ્યો હોવાની જાણ થઈ.
જૈન મુનિઓ સાથે દુર્વ્યવહાર
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુટ્યૂબર સૂરજ સિંહે દિગંબર જૈન સંપ્રદાયના કેટલાક મુનિઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તેમને રસ્તામાં રોકીને તેમના પર ટિપ્પણી કરી હતી. અને તેમની સાથે અભદ્રતા પણ કરી હતી. જેનો યુવકે વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો હતો. આ વીડિયોથી જૈન સમાજની લાગણી દુભાઈ છે. વીડિયો સામે આવ્યા બાદ યોજના ગ્રુપ (Youth Of Jainism Now Active) એ X પર વીડિયો શેર કર્યો. આ પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી પુષ્કર ધામી, DGP અભિનવ કુમાર સહિત તમામ અધિકારીઓને ટેગ કરીને ફરિયાદ કરી હતી. ઉત્તરાખંડ પોલીસે તેના પર કાર્યવાહી કરતા ચમોલી પોલીસને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે સીએમ ધામીએ પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ યુવક સૂરજ સિંહ વિરુદ્ધ કલમ 153A, 295A IPC અને 67A IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
યુટ્યૂબરે માગી માફી
જ્યારે આ મામલાએ તૂલ પકડ્યું ત્યારે યુટ્યૂબરે વીડિયો જારી કરીને માફી માગી છે. સૂરજ સિંહે કહ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારો જે વ્યવહાર છે અને મારી બોલવાની જે રીત છે તે કદાચ લોકોને અને જૈન સમાજને પસંદ નથી આવ્યું. હું તે જૈન મુનિઓ અને જૈન સમાજની માફી માંગુ છું. મારે આવો વ્યવહાર નહોતો કરવાનો. હું તમામ લોકોને અપીલ કરું છું કે, મને માફ કરી દો. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે, હું કોઈને પરેશાન કરું અથવા કોઈ સમાજને કંઈ કહું. હું નોલેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બની શકે કે, મારી રીત થોડી ખોટી હોઈ શકે.
યુટ્યૂબરે માફી માગતા કહ્યું કે, આ વીડિયો ઘણા સમય પહેલા બનાવ્યો હતો પરંતુ તેને અપલોડ બાદમાં કરવામાં આવ્યો. હું કદાચ એ મુનિઓને મળી શકુ કે, ન મળી શકું. નહીંતર મેં એ મુનિઓને મળીને જ માફી માગી લીધી હોત. હવે પછી આ ભૂલ નહીં થશે.