ઉત્તરકાશીમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, રસ્તા પર ઉભેલા અનેક વાહનો દટાયા
Uttarkashi Landslide again occurred after 21 years : વરુણાવત પર્વત પરથી ભૂસ્ખલને 21 વર્ષ પછી ફરી એકવાર લોકોને ડરાવી દીધા અને વર્ષ 2003માં સતત થયેલા ભૂસ્ખલનની કડવી યાદોને તાજી કરી દીધી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદ પછી વરુણાવત પર્વત પરથી મોટા ભૂસ્ખલનને કારણે ગંગોત્રી નેશનલ હાઈવે અને ગોફિયારા કોલોનીમાં રસ્તાઓ પર પાર્ક કરાયેલા ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
રાત્રે પોણા બે વાગ્યે વરુણાવતની તળેટીમાંથી ભૂસ્ખલન થયું
અધિકારીએ જણાવ્યું હતું કે, 'જિલ્લા મુખ્યાલય અને આસપાસના વિસ્તારોમાં અતિશય વરસાદ પછી મંગળવારે (27 ઑગસ્ટે) રાત્રે લગભગ પોણા બે વાગ્યે વરુણાવતની તળેટીમાં સ્થિત ગોફિયારા જલ સંસ્થાન કોલોની નજીક એક ટેકરી પરથી ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન પત્થરોની સાથે મોટી સંખ્યામાં કાટમાળ પડવાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી, પરંતુ ભૂસ્ખલન થવાથી ગંગોત્રી નેશનલ હાઈવે અને ગોફિયારા કોલોનીમાં રસ્તાઓ પર પાર્ક કરાયેલા ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી મોટાભાગના વાહનો સ્થાનિક લોકોના હતા. ઘટનાની જાણ થતાની સાથે NDRF અને પ્રશાસનની ટીમ પહોંચી હતી.'
આ પણ વાંચો : ‘તમે ધમકી આપવાની હિંમત કેવી રીતે કરી?’ મમતા બેનરજી પર ભડક્યા આસામના CM
ભૂસ્ખલનથી પ્રભાવિત એક ડઝનથી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થાળાંતર
ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ મેહરબાન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, 'ભૂસ્ખલનથી પ્રભાવિત એક ડઝનથી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં જિલ્લા મેજિસ્ટ્રેટે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટેની વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.'
ભૂસ્ખલને 21 વર્ષ પછી ફરી એકવાર લોકોને ડરાવી દીધા
વરુણાવત પર્વત પરથી ભૂસ્ખલને 21 વર્ષ પછી ફરી એકવાર લોકોને ડરાવી દીધા અને વર્ષ 2003માં સતત થયેલા ભૂસ્ખલનની કડવી યાદોને તાજી કરી દીધી છે. આ દરમિયાન ઘણાં સમયથી વરુણાવત પર્વત પરથી ભૂસ્ખલન થતુ રહે છે. ઉત્તરકાશી શહેર વરુણાવત પર્વતની તળેટીમાં આવેલું છે અને આ પર્વતની ટ્રીટમેન્ટ માટે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 250 કરોડ રૂપિયાથી વધુનું પેકેજ આપ્યું હતું.
પર્વતની સુરક્ષાને લઈને અનેક સવાલો
ગઈ કાલે (27 ઑગસ્ટે) રાત્રે ભૂસ્ખલન અને પથ્થરો પડવાની ઘટનાથી લોકો ભયભીત થયા હતા. તાજેતરના ભૂસ્ખલનથી વરુણાવત પર્વત પર કરવામાં આવેલા ટ્રીટમેન્ટ કાર્ય પર પણ સવાલો ઉભા થયા છે. એક તરફ જિલ્લા વહીવટીતંત્ર V-Top એટલે કે વરુણાવત ટોપને 'નેચર એન્ડ ચિલ્ડ્રન પાર્ક' તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે, ત્યારે આ ઘટનાથી પર્વતની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.