ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કેદારનાથ યાત્રા સ્થગિત કરવા સલાહ, 12ના મોત, મંદાકિની નદી ભયજનક સપાટી પર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Kedarnath Yatra


Uttarakhand Heavy Rain : ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રુદ્રપ્રયાગ પ્રશાસને તીર્થયાત્રીઓને કેદારનાથ યાત્રા સ્થગિત કરવાની સલાહ આપી છે. જ્યારે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદને કારણે 12 લોકોના મોત થવાની સાથે લગભગ છ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલી માહિતી અનુસાર, નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં નાળામાં એક બાળક તરતું હોવાની માહિતી મળતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.

કેદારનાથ યાત્રા રુટ પર ભીંબલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાયો, તીર્થયાત્રીની હેલિકોપ્ટરથી બચાવ કામગીરી

ગઈ કાલે (31 જુલાઈ) સાડા નવ વાગ્યા દરમિયાન ગૌરીકૂંડ-કેદારનાથના ફૂટપાથ પર ભીંબલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાઈ ગયા હતા. આ સાથે પહાડી પરથી મોટા પથ્થરો નીચે આવી ગયા હતા. આવી પરિસ્થિતિમાં 450 તીર્થયાત્રીઓને ગઢવાલ મંડળ વિકાસ નિગમના ગેસ્ટ હાઉસ અને પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યા હતા. સવારથી મુસાફરોની બચાવ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 200 તીર્થયાત્રીને હેલિકોપ્ટર અને બાકીના તીર્થયાત્રીઓને વૈકલ્પિક પગપાળાના રસ્તે બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

તીર્થયાત્રીને કેદારનાથ યાત્રા સ્થગિત કરવા માટે સલાહ આપી

કેદારનાથમાં ભારે વરસાદી પરિસ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા તીર્થયાત્રીને કેદારનાથ યાત્રા સ્થગિત કરવા માટે સલાહ આપવામાં આવી છે. જેમાં રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન દ્વારા કેદારનાથ દર્શન કરવા માટે આવેલા યાત્રીને હાલ જ્યાં હોય ત્યાં સુરક્ષિત જગ્યા રહેવા અને કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, સોનપ્રયાગના મોટરમાર્ગ અને પગપાત્રા રુટનો રસ્તો ખરાબ હાલતમાં છે. 

મંદાકિની નદીના જળસ્તર વધ્યું

સોનપ્રયાગમાં મંદાકિની નદીના જળસ્તરમાં વધારો થતાં નજીક વિસ્તારોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત, નજીકના પાર્કિંગ વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે. હરિદ્વાર જિલ્લાના રૂડકી વિસ્તારના ભારપુર ગામમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં ચાર લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી આઠની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

24 કલાકમાં દેહરાદૂનમાં 172 મિમી વરસાદ

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં એકલા દહેરાદૂનમાં 172 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે હરિદ્વારના રોશનાબાદમાં સૌથી વધુ 210 મિમી વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, રાયવાલામાં 163 મિમી, હલ્દ્વાનીમાં 140 મિમી, હરિદ્વારમાં 140 મિમી, રૂરકીમાં 112 મિમી, નરેન્દ્ર નગરમાં 107 મિમી, ધનૌલ્ટીમાં 98 મિમી, ચકરાતામાં 22 મિમી અને નૈનીતાલમાં 89 મિમી વરસાદ વરસ્યો હતો.

મુખ્યમંત્રી ધામીએ અધિકારીને એલર્ટ કર્યા

ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદને પગલે મુખ્યમંત્રી ધામીએ અધિકારીને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'રાજ્યના લોકો સહિત અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્યમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ જનજીવન પ્રભાવિત થયું હતું અને લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે ટીમ દ્વારા આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.'

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કેદારનાથ યાત્રા સ્થગિત કરવા સલાહ, 12ના મોત, મંદાકિની નદી ભયજનક સપાટી પર 2 - image


Google NewsGoogle News