ઉતરાખંડમાં સમાન સિવિલ કોડ, આવું પગલું ભરનાર દેશના પ્રથમ રાજયમાં આવા થશે ફેરફારો
યુસીસી અમલ પછી લગ્નનું રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત બનશે.
સંપતિમાં છોકરા અને છોકરીઓને એક એક સરખો ભાગ મળશે.
દહેરાદૂન,૨૭ જાન્યુઆરી,૨૦૨૫,સોમવાર
સમાન સિવિલ કોડની ભારતમાં વર્ષોથી ચર્ચા ચાલે છે પરંતુ ઉત્તરાખંડ દેશમાં આ કોડ (યુસીસી) લાગુ પાડનારું દેશનું પ્રથમ રાજય બન્યું છે. યુસીસી લાગુ પાડવાની સાથે જ ખાસ તો તમામ ધર્મની મહિલાઓને એક સમાન અધિકારો મળશે. આ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસી પોર્ટલ અને નિયમોનો શુભારંભ કરીને યુસીસી લાગુ પાડવાની જાહેરાત કરી હતી. યુસીસીનો અમલ કર્યા પછી ઉતરાખંડ રાજયમાં કેવા પ્રકારનો બદલાવ આવશે તે જાણવું પણ મહત્વનું છે. યુસીસી અમલ પછી લગ્નનું રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત બનશે. કોઇ પણ ધર્મ,જાતિ કે સંપ્રદાય માટે છુટાછેડાના નિયમો એક સરખા જ લાગુ પડશે.
હલાલા અને ઇદ્ત જેવી પ્રથાઓને ખતમ કરવામાં આવશે
દરેક ધર્મ અને જાતિની યુવતીઓના લગ્નની મહત્તમ ઉંમર ૧૮ વર્ષ રહેશે. દરેક ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે પરંતુ બીજા ધર્મના બાળકો દત્તક લઇ શકાશે નહી. ઉત્તરાખંડમાં હલાલા અને ઇદ્ત જેવી પ્રથાઓને ખતમ કરવામાં આવશે. પતિ પત્નીની હયાતી હોય ત્યાં સુધી બીજા લગ્ન પતિ કે પત્ની કરી શકશે નહી. સંપતિમાં છોકરા અને છોકરીઓને એક એક સરખો ભાગ મળશે.
લિવ ઇન રિલેશનશીપ માટે પણ રજીસ્ટ્રેશન કરવું જરુરી બનશે
લિવ ઇન રિલેશનશીપ માટે રજીસ્ટ્રેશન કરવું જરુરી બનશે. જો લીવ ઇન રિલેશનશીપમાં રહેનારાની ઉંમર ૧૮ અને ૨૧ વર્ષ કરતા ઓછી હશે તો માતા પિતાની સંમતિ લેવી જરુરી બનશે. લિવ ઇનથી જન્મેલા બાળકોને લગ્ન કરીને રહેતા દંપતિઓની જેમ જ સમાન અધિકારો મળશે. જો કે અનુસૂચિત જનજાતિઓને સમાન નાગરિક સંહિતા એટલે કે સમાન સિવિલ કોડની બહાર રાખવામાં આવ્યા છે.