ઉત્તરાખંડ હિમસ્ખલન: ચાર શ્રમિકોના મોત, પાંચ હજુ ગુમ, 46નું રેસ્ક્યૂ કરાયું
Uttarakhand Glacier Burst: ઉત્તરાખંડના ચમોલીના માના ગામ નજીક હિમસ્ખલનના કારણે રસ્તાના બાંધકામમાં રોકાયેલા 55 મજૂરો તેમાં ફસાયા હતા. અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા 46 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 4 મૃત્યુ પામ્યા છે. ફસાયેલા 5 કામદારોની શોધખોળ હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શનિવારે સવારે 14 અન્ય લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, 'સ્થળ પર 8 કન્ટેનર હતા, જેમાંથી 5 શોધી કાઢવામાં આવ્યા છે. આજે સવારે બચાવેલા 14 લોકો પણ એક કન્ટેનરમાં હતા. બાકીના ત્રણ કન્ટેનર શોધવા માટે કામગીરી ચાલુ છે.'
વરસાદ અને હિમવર્ષાની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ચમોલી જિલ્લામાં હિમપ્રપાતનો ભય હજુ પણ યથાવત છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. દરમિયાન વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે અને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે.