ચારધામ યાત્રા બે દિવસ સુધી રોકી દેવાઈ, ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લેવાયેલો નિર્ણય
Chardham Yatra 2024 : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પ્રશાસને રવિવારે ચારધામ યાત્રા 2 દિવસ માટે સ્થગિત કરી દીધી છે. ખરાબ હવામાનની અસરને જોતા ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે, તેને ધ્યાનમાં રાખીને કમિશનર ગઢવાલે યાત્રાને સાત અને આઠ જુલાઈ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તો બીજીતરફ હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે.
નવ જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તરાખંડમાં આફત સર્જતો વરસાદ થવાનો છે. અહીંના નવ જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેને લઈને વહીવટીતંત્ર પણ ચિંતિત છે. ખરાબ હવામાનને જોતા ચાર ધામ યાત્રા પર પણ હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ગંગા તોફાની બની, નદી કિનારે રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઘણાં રસ્તાઓ નુકસાન પામ્યા છે. અહીં વરસાદ દરમિયાન પહાડોનો કાટમાળ અને વૃક્ષો પડવાને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે વહીવટીતંત્રે ચારધામ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દીધી છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને 7મી જુલાઈએ ઋષિકેશથી આગળ ચાર ધામ ન જવાની અપીલ કરી છે. બદ્રીનાથ તરફ જતો હાઇવે વિષ્ણુ પ્રયાગ પાસે બલદૌડા પુલ સહિત અનેક વિસ્તારોમાં પહાડીઓ પરથી કાટમાળ પડતાં રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. રુદ્રપ્રયાગ ગૌરીકુંડ NH 107 પણ ડોલિયા દેવી (ફાટા) વિસ્તારનો રસ્તો પણ બંધ કરાયો છે.
આ પણ વાંચો : તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા સામે FIR, મહિલા આયોગના અધ્યક્ષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો આરોપ
યાત્રાએ નીકળેલા લોકો સતર્ક રહે
વહીવટીતંત્રે વધુમાં કહ્યું કે, જેઓ ઋષિકેશથી આગળ ચારધામ યાત્રા પર નીકળ્યા છે, તેઓએ પણ સતર્ક રહેવું જોઈએ. હવામાન વિભાગે સાતમી અને આઠમી જુલાઈએ ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેથી પ્રશાસન સંસ્થાએ યાત્રાળુઓની જાન-માલની સુરક્ષા માટે ચાર ધામ યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : મુંબઈમાં હિટ એન્ડ રનઃ લક્ઝુરિયસ કારે સ્કૂટીને ટક્કર મારતા મહિલાનું મોત, શિવસેના નેતાની અટકાયત
પથ્થર પડતાં બે તીર્થયાત્રીઓના મોત
ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગમાં ચટવાપીપલ પાસે તેમની મોટરસાઇકલ પર પથ્થર પડતાં હૈદરાબાદના બે તીર્થયાત્રીઓના મોત થયા છે. 9 જુલાઈએ દેહરાદૂન, હરિદ્વાર, ઉત્તરકાશી અને ટિહરી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 10 જુલાઈએ નૈનીતાલ, અલ્મોડા, પૌરી, ટિહરી, બાગેશ્વર અને ચંપાવત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા મેજિસ્ટ્રેટને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે અને લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે.