ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી સિલ્ક્યારા ટનલ ઉપર પહોંચ્યા : ફસાયેલા મજૂરો સાથે વાતચીત કરી
- 41 એમ્બ્યુલન્સ અને બે હેલિકોપ્ટર્સ તૈનાત રખાયાં છે, તમામ મઝદૂરો હેમખેમ બહાર આવવાની પૂરી આશા છે
સિલ્ક્યારા : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી આજે અહીંની ટનલ પહોંચ્યા સાથે બૌખ નાગ દેવતાને પ્રાર્થના કરી મજૂરો હેમખેમ બહાર નીકળે તેવી દેવતાને અરજી કરી.
આ અંગે મુખ્યમંત્રીનાં કાર્યાલયે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીએ ગબ્બર સિંઘ નેગી અને સબા અહમદ સહિત કેટલાક મઝદૂરો સાથે વાતચીત કરી હતી. દરમિયાન મજૂરોનો બચાવ કાર્યની પ્રગતિ વિષે પણ તેઓને સંપૂર્ણ માહીતી આપવામાં આવી હતી.
મુખ્ય મંત્રી સાથેની વાતચીતમાં ઉક્ત બંને મઝદૂરોએ જણાવ્યું હતું કે ફસાયેલા તમામ મજૂરો તંદુરસ્ત છે અને પોતાની મુક્તિ માટે પૂરા આશાસ્પદ પણ છે.
ઉલ્લેખનીય છે કે તે મઝદૂરોને પૂરતી ખાધા ખોરાકી અને સ્વચ્છ પાણીની બોટલો તો પહોંચાડાઈ જ હતી. પરંતુ તે સાથે તેમને બીડીનાં બંડલો પણ મોકલાયાં હતાં. જો કે બીડી પીવાથી ટનલમાં થોડું પ્રદૂષણ પણ વધ્યું હતું છતાં તેમને બીડી અનિવાર્ય હોવાથી પહોંચાડવી પડી. સાથે તે ખૂબ મર્યાદિત પ્રમાણમાં ફૂંકવા પર સૂચના આપતો પત્ર પણ મોકલાયો જે ટનલમાં હવે શરૂ થયેલી વીજળીના પ્રકાશમાં તેમણે વાંચ્યો હોવાનું માનવામાં આવે છે.
આ પૂર્વે આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી તે દરમિયાન તેઓને ટનલ અંગે સધાઈ રહેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ઉત્તરકાશીના ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક રૂહેલાએ આજે (ગુરૂવારે) સવારે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઘણું ઘણું ખોદી નાખ્યું છે. હવે માત્ર થોડું જ કામ બાકી રહ્યું છે. અમારી ટીમ એક પછી એક ટેકનિકલ પ્રોબ્લેમ્સ ઉકેલતી જાય છે. અમે એક્સપર્ટસ અને સ્કિલ્ડ પર્સન્સની સલાહ લઇ રહ્યા છીએ.
દરમિયાન વડાપ્રધાનનાં કાર્યાલયના ભાસ્કર ખુલ્લે જેઓ ટનલ ઉપર પહોંચી જ ગયા છે. તેમણે કહ્યું હતું કે જે સ્ટીલ વર્ક અંદર જતા પાઈપ માટે અવરોધરૂપ હતું તે દૂર કરી નાખ્યું છે. હવે તે પાઈપ દ્વારા મજૂરો હેમખેમ બહાર નીકળી શકશે નહીં.
ટૂંકમાં આશા અમર છે. સાથે મનુષ્ય યત્ન ઇશ્વરકૃપા તે બંને ઉક્તિઓ સાચી પાડવાની છે.