'પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100', ચાર ધામ યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ!

Updated: May 15th, 2024


Google NewsGoogle News
'પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100', ચાર ધામ યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ! 1 - image


Uttarakhand Chardham Yatra Latest Update | ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ જતાં તંત્ર ધંધે લાગી ગયું છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ચક્કાજામથી હરિદ્વારથી આગળ બરકોટમાં છે. જ્યાંથી સીધા ગંગોત્રી અને યમુનોત્રી જઈ શકાય છે. બરકોટથી ઉત્તરકાશી તરફ 30 કિ.મી. માર્ગ વન-વે છે. આવી સ્થિતિમાં મંદિરથી પરત ફરતા વાહનોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગંગોત્રી અને યમુનોત્રીની તુલનામાં, કેદારનાથના રસ્તા પર ઓછો ટ્રાફિક છે. મંગળવારે 23 હજાર લોકોએ કેદારનાથ-બદ્રીનાથની મુલાકાત લીધી હતી. હવે આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો મળી રહ્યા છે. લાંબા સમય સુધી ફસાયેલા ભક્તો પાસેથી સ્થાનિકો પાણી, શૌચાલય માટે પણ મોટા પાયે પૈસા વસૂલી રહ્યા છે.  

ટ્રાફિક જામમાં ફસાતા 5 લોકોના મોત 

દરમિયાન મંગળવારે ટ્રાફિક જામમાં ફસાઈ જવાને કારણે 5 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ લોકો તો એવા હતા જેમણે કારમાં જ દમ તોડ્યો હતો. છેલ્લા 4 દિવસમાં 10 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ગયા છે. મૃત્યુ પામેલા તમામ ભક્તોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તેમાંથી ઘણાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા.

સ્થાનિકો તકનો લાભ લેવા લાગ્યા 

ઉત્તરકાશીથી 20 કિમી આગળ ગયા પછી, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળ્યા હતા. જે જગ્યાએ ટ્રાફિક જામ હતો ત્યાં ન તો ખાવાનું મળે છે કે ન તો રહેવાની જગ્યા છે. આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. ઉત્તરાખંડમાં ચાર દિવસમાં ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. ગત વર્ષે પ્રથમ 4 દિવસમાં માત્ર 52 હજાર લોકો આવ્યા હતા. આ વર્ષે પહોંચેલા લોકોની સંખ્યા એટલી જ હતી જે 16 દિવસ પછી 2023માં પહોંચી હતી.

અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે

બીજી તરફ ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે ગયા વર્ષે આ મહિનાના અંત સુધીમાં માત્ર 12 હજાર અને 13 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રી અને યમુનોત્રી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે.


Google NewsGoogle News