ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન, 10મી મેથી ઊમટશે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
Uttarakhand Char Dham Yatra Registration Record : ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા શ્રદ્ધાળુઓના રજિસ્ટ્રેશનનો રેકોર્ડ તુટી ગયો છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ એક સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખ પર પહોંચી ગઈ છે.
જાણો કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ (Kedarnath) માટે 4,22,129, બદરીનાથ (Badrinath) ધામ માટે 3,56,716, ગંગોત્રી (Gangotri) ધામ માટે 2,31,983, યમુનોત્રી (Yamunotri) ધામ માટે 2,19,619 અને હેમકુંડ સાહિબ (Hemkund Sahib) માટે 17,684 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ગત વર્ષે ચાર લાખ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન
ગત વર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, ચારધામ યાત્રા માટે સૌથી વધુ રવિવારે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 10 મેએ ખુલવાના છે, જ્યારે તેના બે દિવસ બાદ બદરીનાથ ધામના કપાટ 12 મેએ ખોલવામાં આવશે.