ચારધામ યાત્રા : 11 દિવસમાં 7.23 લાખ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન, રજીસ્ટ્રેશન 30 લાખને પાર
Char Dham Yatra : ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા-2024 હર્ષોલ્લાસ સાથે આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં 11 દિવસમાં કુલ 7,23,163 શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સૌથી વધુ કેદારનાથ ધામમાં 3,19,193 ભક્તોએ દર્શનનો લહાવો લીધો છે. જ્યારે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 30,17,275 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આમાંથી સૌથી વધુ કેદારનાથ માટે રજીસ્ટ્રેશન થયું છે.
શ્રદ્ધાળુઓની સંખ્યા મામલે ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ચારધામની યાત્રા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Pilgrims) ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છુટી ગયો છે. કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બીજીતરફ મંદિરોમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આ સાથે વહિવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ભીડને કાબુમાં રાખવા અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે તમામ બાબત પર ધ્યાન રાખી રહી છે.
કેદારનાથમાં સૌથી વધુ ભક્તોએ દર્શન કર્યા
ચાર ધામના દર્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3,19,193 ભક્તોએ કેદારનાથ ધામ (Kedarnath Dham)ના, 1,39,656 ભક્તોએ બદ્રીનાથ ધામ, 1,38,537 ભક્તોએ યમુનોત્રી ધામ (Yamunotri Dham) અને 1,25,777 ભક્તોએ ગંગોત્રી ધામ (Gangotri Dham)ના દર્શન કરી ચુક્યા છે. સોમવારે (20 મે) 82,577 ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા હતા. રજીસ્ટ્રેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 30,17,275 ભક્તોએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યમુનોત્રી ધામ માટે 4,72,444, ગંગોત્રી ધામ માટે 5,37,688, કેદારનાથ ધામ માટે 10,07,333, બદ્રીનાથ ધામ માટે 9,23,698 અને હેમકુંડ સાહિબ માટે અત્યાર સુધીમાં 76,112 ભક્તોએ નોંધણી કરાવી છે, જ્યારે આજે 36,996 રજીસ્ટ્રેશન થયા હતા.