ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું
- હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સહિતના તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો
- લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિમાં અધિકાર, વય મર્યાદાઓ વગેરે માટે સમાન કાયદો મુસ્લિમ સમાજની હલાલા, ઇદ્દતની પ્રથાને રદ, સંપત્તિના હકમાં બાળકો વચ્ચે ભેદભાવ નહીં
દેહરાદૂન : ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સોમવારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસીના અમલની નિયમાવલી અને વેબપોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. દેશની સ્વતંત્રતા બાદ યુસીસી લાગુ કરનારુ ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. જેને પગલે હવે ઉત્તરાખંડમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના તમામ ધર્મના લોકોના પારિવારિક મામલાઓ જેમ કે લગ્ન, નિકાહ, છૂટાછેડા, સંપત્તિ વગેરે માટે એક સમાન કાયદો બધાને લાગુ પડશે.
ઉત્તરાખંડમાં યુસીસી બિલને ગયા વર્ષે વિધાનસભામાં મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પાસે મોકલવામાં આવ્યું હતું, રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી હતી જે બાદ તે કાયદો બની ગયું હતું. સોમવારે ઉત્તરાખંડમાં યુસીસીને લાગુ કરવા માટેની નિયમાવલી બહાર પાડવામાં આવી છે. એટલે કે તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના યુસીસીમાં કુલ સાત ખંડોમાં ૩૯૨ કલમો છે. જેને ૭૫૦ પાનાના ડ્રાફ્ટના આધાર પર તૈયાર કરાયો છે. નિષ્ણાતોની પેનલ દ્વારા તેને તૈયાર કરાયો છે અને તેના કુલ ચાર ભાગ બહાર પડાયા છે.
યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિ, પુત્રીઓના અધિકારો, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સહિતના પારિવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નિયમો તમામ ધર્મના લોકોને એક સમાન રીતે લાગુ રહેશે, એટલે કે ઉત્તરાખંડમાં હવેથી હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વગેરેના જે ધર્મ આધારીત પર્સનલ લો હતા તેનો અમલ રદ કરવામાં આવશે અને એક સમાન કાયદો બધા માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. લગ્નની નોંધણીથી લઇને છૂટાછેડા કે તલાક વગેરેની પ્રક્રિયા તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે. લગ્ન કે નિકાહની લઘુતમ વય મર્યાદા પણ દરેક માટે એક સરખી રહેશે.
ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરીને તમામ નાગરિકોને આ યુસીસી લાગુ રહેશે. યુસીસી લાગુ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં એસડીએમ રજિસ્ટ્રાર અને ગ્રામ પંચાયત વિકાસ અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે, નગર પંચાયતો અને નગર પાલિકાઓમાં સંબંધિત એસડીએમ રજિસ્ટ્રાર અને કાર્યકારી અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે. ટોચના સ્તરે રજિસ્ટ્રાર જનરલ હશે જે સચિવ સ્તરના અધિકારી કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન રહેશે.
યુસીસી નિયમો મુજબ ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરતા તમામ નાગરિકો માટે લગ્ન-નિકાહની નોંધણી ફરજિયાત રહેશે, પતિ-પત્ની જીવીત હોય તો તેમની હયાતીમાં અથવા છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન-નિકાહ નહીં કરી શકાય, પતિ-પત્ની માટે તમામ ધર્મો માટે એક સમાન અધિકાર અપાશે, તમામ ધર્મના લોકો કે તમામ સમુદાયના લોકોમાં પુત્ર-પુત્રીને સંપત્તિમાં સમાન અધિકાર મળશે. મુસ્લિમ સમાજની પ્રથા હલાલા અને ઇદ્દત રદ કરી દેવામાં આવી છે. સંપત્તિના અધિકારોમાં તમામ સંતાનોને એક સરખા ગણવામાં આવશે, લિવ-ઇન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ જાય તો તેની જાણકારી રજિસ્ટ્રારને કરવી ફરજિયાત રહેશે, બાળકના જન્મ બાદ ૩૦ દિવસની અંદર તેને દત્તક લેવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયાઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે પોર્ટલ લોન્ચ કરાયું છે, નાગરિકો ઇચ્છે તો ઓફલાઇન પણ કચેરીએ જઇને તમામ પ્રક્રિયાઓ ફોર્મ ભરીને પૂર્ણ કરી શકે છે.
લિવ-ઇનમાં માતા-પિતાની મંજૂરી, નોંધણી ના કરાવી તો સજા
લિવ-ઇનની નોંધણી ફરજિયાત, ગર્ભવતી હોય તો રજિસ્ટ્રારને જાણ કરવાની રહેશે
દેહરાદુન : ઉત્તરાખંડ ન માત્ર યુસીસી લાગુ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે સાથે જ પ્રથમ વખત લિવ-ઇન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત કરાયું છે. વળી લિવ ઇનની નોંધણી કરાવતી વખતે પણ માતા-પિતાની મંજૂરી ફરજિયા કરાઇ છે, જો કોઇ કપલ ખોટી માહિતી આપે તો તેને ત્રણ મહિનાની સજા અથવા ૨૫ હજારનો દંડ અથવા બન્ને થશે, આ ઉપરાંત લિવ-ઇનમાં રહેવા ગયાના એક મહિનામાં નોંધણી ના કરાવી તો પણ ત્રણ મહિના સુધીની સજા અથવા ૧૦ હજારનો દંડ અથવા બન્ને થઇ શકે છે. આ જોગવાઇનો અગાઉ વિરોધ થયો હતો જેને પગલે હવે જ્યારે તેનો અમલ થયો છે ત્યારે ફરી વિવાદ થઇ શકે છે. લિવ-ઇનની વય મર્યાદા ૨૧ વર્ષ કે તેથી વધુ વર્ષની રાખવામાં આવી છે. ઉત્તરાખંડ રાજ્યની વ્યક્તિ જો બહાર પણ લિવ-ઇનમાં રહેતી હોય તો તેમના માટે પણ આ નોંધણી ફરજિયાત કરાઇ છે.