ઉત્તરાખંડના અલ્મોડામાં ખોવાયેલા આઠમી સદીના મંદિરના અવશેષો લોકોના ઘરોમાં, ASI સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ઉતરાખંડના અલ્મોડાનું 8મી સદીનું પ્રસિદ્ધ મંદિરને લઈને દાવો કરવામાં આવતો હતો કે તે ખોવાઈ ગયું છે
પરંતુ હાલ સામે આવેલા સર્વે મુજબ આ મંદિર બાબતે એક ચોંકાવનારો ખુલાસો થયો છે
Uttarakhand Almora Temple: આઠમી સદીનું પ્રાચીન મંદિર ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં સ્થિત કુટુંબરી મંદિરને લઈને એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. દ્વારહાટની ઊંચી ટેકરી ઢોળાવ પર આવેલું કુટુંબરી મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રેકોર્ડમાં ખોવાયેલા મંદિર તરીકે નોંધાયેલું છે. જો કે હાલમાં સામે આવતા અહેવાલો કહે છે કે આ મંદિર સ્થાનિકોના ઘર, વરંડા તેમજ દરવાજામાં પણ હાજર છે. એક અહેવાલ મુજબ સ્થાનિક લોકોએ આ પ્રાચીન મંદિરના અવશેષોને તોડીને પોતાના ઘર બનાવવા માટે ઉપયોગ કર્યો છે. ASI દેહરાદૂન સર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે અલ્મોડામાં આવેલું પ્રાચીન કુટુંબરી મંદિર વર્ષ 2000 સુધી અસ્તિત્વમાં હતું. તે સમયે મંદિરના ખંડેર દેખાતા હતા.
1957માં મંદિરનો એક ફોટો લેવામાં આવ્યો હતો. તે સમતે કાળા અને સફેદ મંદિરની બેજોડ સંરચના જોવા મળતી હતી. જો કે છેલ્લા બે દશકામાં જ મંદિરનું ખંડેર પણ ગાયબ થઇ ગયું છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ASI દ્વારા મંદિરને ગુમ જાહેર કરેલ છે. ASIએ આ મંદિરને દેશના 50 ખોવાયેલા સ્મારકોની યાદીમાં સામેલ કર્યું છે.
અડધો ડઝન ઘરોમાં છે મંદિરની સામગ્રી
ASIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એવું લાગે છે કે ગામના લોકોએ મંદિરના સ્થાપત્ય સાથે સંબંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની જરૂરીયાત અનુસાર ઘર તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે અમને દ્વારહાટમાં અડધો ડઝન ઘરો મળ્યા, જેમાં મંદિરની સામગ્રી હતી. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. ASI અધિક્ષક પુરાતત્વવિદ્ના જણાવ્યા અનુસાર આ મંદિર 26 માર્ચ, 1915ના રોજ સાત અન્ય મંદિરો સાથે ASIના સંરક્ષણમાં રાખવામાં આવ્યું હતું. 1957 માં સંકલિત રેકોર્ડ્સમાં તેનો છેલ્લે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1964 માં પછીના સર્વેક્ષણમાં જમીન પર મંદિરના ઓછા ભૌતિક પુરાવા મળ્યા.
કટ્યુરી શાસકોએ બાંધ્યું હતું
એવું માનવામાં આવે છે કે આ મંદિર આઠમી સદીમાં કટ્યુરી શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ASIના અધિકારી જણાવે છે કે એક સમયે જ્યાં મંદિર હતું તે વિસ્તારના અનેક સર્વેક્ષણ પછી તેનો કોઈ અવશેષ રહ્યો નથી. અમે ડિપ્રોટેક્શનની પ્રક્રિયા શરૂ કરી છે. જો કે, અમને હજુ સુધી ડિરેક્ટોરેટ ઓફિસ તરફથી આ માટે પરવાનગી મળી નથી. મંજૂરી હજુ બાકી છે. વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે આ મામલે અંતિમ નિર્ણય લેતા પહેલા અંતિમ સર્વે કરાવવો જોઈએ. તેમના જણાવ્યા અનુસાર 18 મેમાટે તે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ તેને સ્થગિત કરવામાં આવ્યું છે. ગામના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા મંદિરના પત્થર હવે ધરોહરની દ્રષ્ટીએ કોઈ જ કામના રહ્યા નથી. જો કે તેને તેના મૂળસ્થાને સ્થાપિત કરવાનો નિર્ણય અંતિમ સર્વેક્ષણ બાદ લેવામાં આવશે.