UPના 35 ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક: ચોથું વરુ પણ પાંજરામાં પુરાયુ,અંતે આંશિક રાહત

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Wolf


UP Wolf: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Bahraich) માનવભક્ષી વરુઓના કારણે 35 ગામડાઓમાં ભયનું વાતાવરણ હતુ. અહીં લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે આખી રાત જાગતા રહે છે. વરૂના હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આદમખોર વરૂનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે 34 ગામના લોકો ભયભીત છે.

આ ઘટનાને લઇને વન વિભાગનું કહેવું છે કે, આ વિસ્તારમાં છ વરુઓનું ટોળું છે, જે લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેમાંથી આજે 4થુ વરુ પકડાયું છે અને 2ની શોધખોળ ચાલી રહી છે. બહરાઈચમાં આ માનવભક્ષી વરુઓને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઈચ, કતર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો રોકાયેલા છે. 

વન વિભાગ લોકોને સલામત રહેવાનું કહ્યું

હવે આ માનવભક્ષીઓએ જિલ્લાના અન્ય વિસ્તારોમાં તેમની પહોંચ વિસ્તારી છે. જ્યારે બહરાઈચના ડીએફઓ આ વરુઓની કુલ સંખ્યા 6 હોવાનું કહી રહ્યા છે, તો અસરગ્રસ્ત વિસ્તારના ગ્રામજનો તેમની સંખ્યા બે ડઝન હોવાનું કહી રહ્યા છે. 

આજે પકડાયેલા વરુને શાંત પાડનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને હવે ટેસ્ટિંગ પછી જ ખબર પડશે કે, આ વરુ એ જ ગ્રૃપનું છે કે, જેણે આ ગુના કર્યા છે. જો કે એવું લાગે છે કે આ વરુ એક જ જૂથનું છે.

વરુઓનો આતંક ક્યારથી શરૂ થયો? 

જિલ્લાના ઔરાહી ગામમાંથી વરુઓનો આતંક શરૂ થયો હતો. અહીં વરુઓએ પહેલા 7-7 વર્ષના બે બાળકો પર હુમલો કર્યો હતો. દોઢ મહિના પહેલાની આ ઘટના છે જ્યારે, રાત્રે 12 વાગ્યાના સુમારે ફિરોઝ નામનો બાળક તેની માતા સાથે ઘરના આંગળમાં સુતો હતો અને વરુના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. એક વરુ ઘરના વરંડામાં ઘુસી તેની ગરદન પકડીને બાળકને લઇને ભાગી ગયો હતો. આ દરમિયાન તેમની માતા તેમના બંને પગ પકડીને બાળકોને બચાવવાનો પ્રયાસ કરતી રહી.

વરુ બાળકને લગભગ 200 મીટર સુધી ખેતરમાં ખેંચી ગયો. જ્યારે તેની માતાએ બૂમો પાડી ત્યારે ગામના લોકો એકઠા થઈ ગયા અને પછી વરુ બાળકને ગામ નજીકના ખેતરમાં છોડીને ભાગી ગયો. ત્યારબાદ પરિવાર અને ગામના લોકો લોહીલુહાણ થઈ ગયેલા ફિરોઝને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં 13 દિવસની સારવાર બાદ તેનો જીવ બચી ગયો. તેના ચહેરા, ગરદન, માથા, કાન, પીઠ અને છાતી પર હજુ પણ વરુના ડંખના નિશાન છે અને બાળક વરુના માત્ર ઉલ્લેખથી જ કંપી જાય છે.

આ પણ વાંચો: યુપીમાં વરુના હુમલામાં નવ મોત બાદ યોગી સરકાર એક્શનમાં, 200 કર્મચારીનું ‘ઓપરેશન ભેડિયા’


Google NewsGoogle News