વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી, 13મી કરશે રોડ શૉ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી, 13મી કરશે રોડ શૉ 1 - image

Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 14મી મેએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા તેઓ 13મી મેના રોજ વારાણસીમાં રોડ શો યોજાશે. વારાણસી લોકસભા બેઠક પર પહેલી જૂને મતદાન થશે. આ દરમિયાન વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ મેના બીજા સપ્તાહથી વારાણસી પહોંચવાનું શરૂ કરશે અને નાની જાહેર સભાઓ કરશે. તેઓ પન્ના પ્રમુખો સાથે બેઠકો, મતદારોનો સંપર્ક અને સમાજના વિવિધ લોકો સાથે બેઠક પણ યોજશે.

વારાણસીમાં પ્રચાર માટે નેતાઓની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ

મળતા અહેવાલો મુજબ ભાજપે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની વારાણસી (Varanasi)માં ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની યાદી બનાવવાની શરૂ કરી દીધી છે અને કાર્યકર્તાઓ પાસે પણ યાદી માંગવામાં આવી રહી છે. વડાપ્રધાનના રોડ શોને ભવ્યરૂપ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ (Sunil Bansal) અને ગુજરાતથી આવેલા જગદીશ પટેલે (Jagdish Patel) બેઠકો શરૂ કરી દીધી છે. આમાં મહિલા મોર્ચો પણ મોટી ભૂમિકા નિભાવશે.

ભાજપના દિગ્ગજ નેતાઓ 13મી મેએ પહોંચશે વારાણસી

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના રોડ શો કાર્યક્રમ અને ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું ગ્રૂપ, બાઈકો સાથે યુવાઓનું ગ્રૂપ અને ભાજપના ઘણા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના ટોચના નેતાઓ પણ 13મી મેએ વારાણસી પહોંચી જશે. ત્યારબાદ આ નેતાઓ મતદાન દિવસ સુધી ત્યાં ચૂંટણી પ્રચાર કરતા રહેશે.

વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે કયા ઉમેદવારો મેદાનમાં ?

વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય ચૂંટણી મેદાનમાં છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ સૈયદ નિયાજ અલી મંજૂને ટિકિટ આપી છે. અગાઉ બસપાએ અતહર જમાલ લારીને ટિકિટ આપી હતી, પરંતુ તેમની ટિકિટ કાપી હવે સૈયદ નિયાજને ટિકિટ આપી છે.


Google NewsGoogle News