કાશી વિશ્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરશે, અહીં કોઈ પણ બાળક નિઃશુલ્ક શિક્ષણ લઈ શકશે
ગુરુકુળમાં આયુર્વેદિક હોસ્પિટલ અને ગૌશાળાની પણ સ્થાપના કરાશે, આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે
પ્રસ્તાવિત ગુરુકુળમાં વેદોની તમામ શાખાઓનો અભ્યાસ કરાવાશે, શિક્ષકોને રહેવા-જમવાની સુવિધા પણ અપાશે
Kashi Vishwanath Temple Gurukul : કોઈપણ બાળક નિઃશુલ્ક શિક્ષણ (Free Education) મેળવી શકે તે માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિર દ્વારા આધુનિક ગુરુકુળની સ્થાપના કરવા પ્રસ્તાવ લવાયો છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ ગુરુકુળમાં આયુર્વેદિક આધારીત હોસ્પિટલ અને ગૌશાળા પણ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે. ન્યાસની આગામી બેઠકમાં ગુરુકુળની સ્થાપના અને સંચાલન અંગે અંતિમ નિર્ણય લેવાશે. આ ગુરુકુળ ચંદોલી, મિર્જાપુર અથવા સારનાથમાં મંદિરની ખાલી જમીન પર બનાવાશે. ચંદોલીમાં મંદિરની 42 વીઘા જમીન છે.
પ્રવેશ માટેની ઊંમર પાંચ વર્ષ, શાસ્ત્રીથી આચાર્ય સુધીની ડિગ્રી મળશે
નવા ગુરુકુળનું મંદિર દ્વારા સંચાલન કરાશે. ગુરુકુળમાં પ્રવેશ માટેની ઉંમર પાંચ વર્ષ, વેદોની તમામ શાખાઓનો અભ્યાસ સહિતનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. યજ્ઞોપવીત પછી કોઈપણ બાળક પ્રવેશ લઈ શકશે. શિક્ષકો દ્વારા વેદ ઉપરાંત નવી શિક્ષણ નિતિ હેઠળ આધુનિક વિષયોનો પણ અભ્યાસ કરાશે. શિક્ષકો માટે ગુરુકુળમાં રહેવાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે. આ ગુરુકુળમાં અભ્યાસ કનરારા શિષ્યો શાસ્ત્રીથી લઈને આચાર્ય સુધીની ડિગ્રી મેળવી શકશે.
મંદિરની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે : મંદિરના સભ્ય
આ અંગે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના વારાણસી (Varanasi)માં આવેલા વિશ્વનાથ મંદિર ન્યાસના સભ્ય પ્રોફેસર બ્રજભૂષણ ઓઝાએ માહિતી આપતા જણાવ્યું કે, ‘ન્યાસ ગુરુકુળ, હોસ્પિટલ અને ગૌશાળાના સંચાલનની યોજના બનાવી રહી છે. આ અંગે ટૂંક સમયમાં યોજાનાર ન્યાસની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે.’
ગુરુકુળમાં કંઈ પ્રવૃત્તિઓ કરાવાશે?
ગુરુકુળમાં ઋગ્વેદ અને તેની શાખાઓ શાકલા અને શંખયાન, યજુર્વેદ અને તેની શાખાઓ તૈત્તિરીય, મૈત્રાયણીય, કઠ અને કપિષ્ટલ તેમજ શુક્લ યજુર્વેદ અને તેની શાખા માધ્યન્દિનીય અને કાણ્વનો અભ્યાસ કરાવાશે. આ ઉપરાંત સામવેદ અને તેની શાખા કૌથુમ અને જૈમિનીય તેમજ અથર્વવેદ અને તેની શાખા શૌલક અને પૈપ્પલાદનો પણ પાઠ ભણાવાશે.
ઉપનિષદોની સંખ્યા
- ઋગ્વેદિક - 10 ઉપનિષદો
- શુક્લ યજુર્વેદી - 19 ઉપનિષદ
- કૃષ્ણ યજુર્વેદી - 32 ઉપનિષદ
- સામવેદિક - 16 ઉપનિષદો
- અથર્વવેદ - 31 ઉપનિષદો