મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી હતી આગ, અનેક ટેન્ટ બળીને ખાક, CM યોગીએ પણ ઘટનાની માહિતી મેળવી
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં લાગી હતી આગ
મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર 19માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંં. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.
મુખ્યમંત્રી યોગી ઘટનાસ્થળે પહોંચ્યા
પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ હાજર વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળ પર હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. તો ઘટના સ્થળ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે.
આસપાસના વિસ્તારને તાત્કાલિક ખાલી કરાયો
મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું છે. આ સાથે જ ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારને તાત્કાલિક ધોરણે ખાલી કરાયો હોવાના કારણે હજુ સુુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.
બે-ત્રણ સિલિન્ડર થયા બ્લાસ: ADG
એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું કે, મહાકુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા, જેનાથી શિબિરોમાં ભીષણ આગ લાગી ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. તમામ લોકો સુરક્ષિત છે, કોઈ ઈજાગ્રસ્ત નથી થયું. ઘટનાની તપાસ કરાઈ રહી છે.