મેરઠમાં નાસભાગ, અનેક મહિલાઓ કચડાઈ: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ
UP Merath Stampede: ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે. મથુરા-વૃંદાવન સહિતના મંદિરોમાં ભારે ભીડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં આજે મેરઠમાં નાસભાગની ઘટના પ્રકાશમાં આવી છે. મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થવાના કારણે અનેક મહિલાઓ ભીડમાં કચડાઈ ગઈ હતી.
એક લાખથી વધુ લોકો કથામાં જોડાયા હતાં
ઉત્તર પ્રદેશના મેરઠમાં અહીં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ મચી ગઈ છે. ઘણી મહિલા અને વડીલો કચડાઈ જવાથી ઈજાગ્રસ્ત થયાં છે. આજે કથાનો છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. બપોરે એક વાગ્યે કથા શરૂ થવાની હતી. જોકે, તેના થોડા સમય પહેલાં જ અહીં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે લગભગ એક લાખ લોકો હાજર હતાં.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ, સ્થાનિક પહેલાં પોલીસ ફોર્સ પહેલાંથી જ તૈનાત હતી. નાસભાગ બાદ અન્ય પોલીસ સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ, ચાર મહિલા ઈજાગ્રસ્ત થઈ છે અને તેઓને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સંસદમાં બેગ પોલિટિક્સ: ભાજપ સાંસદ સારંગીએ પ્રિયંકા ગાંધીને આપ્યું '1984' લખેલું બેગ
અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે પ્રદીપ મિશ્રા
નોંધનીય છે કે જે પંડિત પ્રદીપ મિશ્રાની આજે કથા હતી, તેઓ અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના સિહોરમાં પણ પ્રદીપ મિશ્રા કથામાં રુદ્રાક્ષ મહોત્સવ દરમિયાન ભારે ભીડના કારણે નાસભાગ થઈ હતી જેમાં એક મહિલાનું નિધન થયું હતું જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એવી અફવા વાંરવાર ફેલાવવામાં આવે છે કે પ્રદીપ મિશ્રા જે રુદ્રાક્ષ આપે છે તેનાથી બીમારી દૂર થઈ જાય છે અને ધનવાન થવાય છે.