માયાવતીની મોટી જાહેરાત, કહ્યું- ‘મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે BSP’
Maharashtra, Jharkhand, UP bypolls : ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે પંચે ખાલી પડેલી બે લોકસભા બેઠકો અને દેશની વિવિધ 48 બેઠકો પર પણ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખો સામે આવ્યા બાદ હવે તમામ પક્ષોના નેતાઓ સક્રિય થઈ ગયા છે અને આ ક્રમમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ મોટી જાહેરાત કરી છે.
BSP યુપીની નવ બેઠકો પર પણ એકલા હાથે ચૂંટણી લડશે
માયાવતીના નેતૃત્વ હેઠળ બહુજન સમાજ પાર્ટી (BSP)એ સ્વતંત્ર ચૂંટણી લડવાનો માર્ગ અપનાવી મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં એક હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. બીએસપીએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં અમારી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ માયાવતી કર્યા ટ્વિટ
ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ માયાવતીએ ટ્વિટ કર્યા છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. બસપા આ બંને રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડશે. યુપીમાં નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં પણ બસપા પોતાના ઉમેદવારો ઉતારશે અને સંપૂર્ણ તૈયારી અને તાકાત સાથે આ ચૂંટણી એકલા હાથે લડશે.’
મહારાષ્ટ્રમાં એક અને ઝારખંડમાં બે તબક્કામાં મતદાન
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર કરી છે. પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. પેટા ચૂંટણીની વાત કરીએ તો દેશની કુલ 48 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 9 બેઠકો માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.
ઉત્તર પ્રદેશમાં નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી
ઉત્તર પ્રદેશમાં જે નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાંથી મોટાભાગની બેઠકો તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા ધારાસભ્યોને કારણે ખાલી પડી છે. આ બેઠકોમાં સીસામઉ, કટેહારી, કરહલ અને અન્ય સીટોનો સમાવેશ થાય છે. સીસામઉ સીટ સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને ફોજદારી કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ તેને ગેરલાયક ઠેરવવાને કારણે ખાલી પડી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો મુખ્યત્વે સમાજવાદી પાર્ટી અને ભાજપ પાસે હતી, જ્યારે એક બેઠક આરએલડી પાસે હતી.
મિલ્કીપુર બેઠકની પેટાચૂંટણી માટે કોઈ જાહેરાત નહી
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા બાદ કરહાલ બેઠક ખાલી પડી હતી. જો કે, ચૂંટણી પંચે અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત પેન્ડિંગ ચૂંટણી અરજીને કારણે અટકાવી દીધી છે.
આ પણ વાંચો : વાયનાડથી પ્રિયંકા ગાંધી લડશે લોકસભાની પેટાચૂંટણી, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત