લોકસભામાં આ પક્ષને એક પણ બેઠક નહીં, પણ ભાજપના '400 પાર'ના સપનાને આપ્યો ઝટકો
Uttar Pradesh Lok Sabha Elections Results 2024 : લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિતના NDAના નેતાઓ ‘400 પાર બેઠકો જીતવાના’ દાવો કરાતા હતા. વડાપ્રધાને એનડીએ 400થી વધુ તો ભાજપ 370થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો, જોકે લોકસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવ્યા બાદ એનડીએનું 400 પારનું સપનું તુટી ગયું છે. આ વખતે ઈન્ડિયા ગઠબંધને એનડીએને જોરદાર ટક્કર આપવાની સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા દોડધામ શરૂ કરી દીધી છે.
બીએસપીએ ભાજપનું કર્યું નુકસાન
પરિણામોના વલણો મુજબ એનડીએ 295ની આસપાસ બેઠકો મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, દેશમાં સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે અને ભાજપને આ રાજ્યમાં જ સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance) રાજ્યની 80 બેઠકોમાંથી 45 બેઠક પર અને ભાજપ 32 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બીજીતરફ એક સમયે ઉત્તર પ્રદેશમાં દબદબો જમાવતી માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપડાં સાફ થઈ ગયા છે. રાજ્યમાં બીએસપીનો કોઈપણ ઉમેદવાર લીડ કરતો જોવા મળી રહ્યો નથી. બીએસપી ભલે હારી ગઈ હોય, પરંતુ તેણે ભાજપ (BJP)ને સૌથી વધુ નુકસાન કર્યું છે.
બીએસપીને ‘એકલા ચલો’ની નીતિ ભારે પડી
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ચૂંટણી પહેલા ‘એકલા ચલો’ની નીતિ અપનાવી હતી અને રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે આ જોતા એવું લાગી રહ્યું છે કે, બસપાના મોટાભાગના મતદારો ઈન્ડિયા ગઠબંધનમાં શિફ્ટ થયા છે અને ભાજપના મતો કપાયા છે. આમ બસપાના કારણે ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે.
વલણોમાં 12માંથી 4 કેન્દ્રીય મંત્રી પાછળ
રાજકીય દૃષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 12 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં છે. આમાંથી માત્ર ચાર ઉમેદવારો જ વલણોમાં આગળ ચાલી રહ્યા છે, બાકીના આઠ પાછળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી), સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (લખનૌ), રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરી (મહારાજગંજ) અને કાયદા અને ન્યાય રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલ (આગ્રા) વલણોમાં આગળ ચાલી રહ્યા છે.
વલણોમાં આ નેતાઓ પાછળ
આ ઉપરાંત ફતેહપુર બેઠક પરથી ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ, અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની ચંદૌલીમાંથી મહેન્દ્ર નાથ પાંડે, મુઝફ્ફરનગરમાંથી સંજીવ કુમાર બાલિયાન, મિર્ઝાપુરથી અનુપ્રિયા પટેલ, જાલૌનથી ભાનુ પ્રતાપ સિંહ વર્મા, મોહનલાલગંજમાંથી કૌશલ કિશોર અને ખેરી બેઠક પરથી અજય મિશ્રા પાછળ ચાલી રહ્યા છે.
ઈન્ડિયા ગઠબંધન NDA કરતાં આગળ
ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનની સાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો પણ દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધન 42 બેઠકો પર આગળ છે, તો એનડીએ 37 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. સપાની ટિકિટ પર યાદવ પરિવારના પાંચ સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ સહિત ચાર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
વલણોમાં અખિલેશ-ડિમ્પલ બંને આગળ
કનૌઝ બેઠક પર અખિલેશ યાદવ ભાજપના સુબ્રત પાઠકથી 84463 મતોથી આગળ છે, જ્યારે મૈનપુરી બેઠક પરથી ડિમ્પલ યાદવ ભાજપના જયવીર સિંહથી 150524 મતોથી આગળ ચાલી રહ્યા છે. આઝમગઢમાં સપાના ધર્મેન્દ્ર યાદવ ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆથી 90973 મતો, ફિરોઝાબાદમાં પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ ભાજપના વિશ્વદીપ સિંહથી 94516 મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે બદાયુમાં સપા નેતા શિવપાલ યાદવના પુત્ર આદિત્ય યાદવ ભાજપના દુર્વિજય સિંહ શાક્યથી 19805 મતોથી પાછળ છે. પાર્ટીએ આ બેઠક પર પહેલા શિવપાલને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં તેમના પુત્ર આદિત્યને ટિકિટ આપી હતી.