10000 કિલો ગલગોટા, 5000 કિલો ગુલાબ... PM મોદીની ઉમેદવારી અને રોડશો ટાણે મહેકશે વારાણસી

Updated: May 12th, 2024


Google NewsGoogle News
10000 કિલો ગલગોટા, 5000 કિલો ગુલાબ... PM મોદીની ઉમેદવારી અને રોડશો ટાણે મહેકશે વારાણસી 1 - image


Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે 14 મેએ (મંગળવાર) ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ દરમિયાન એનડીએના ઘણા નેતાઓ ઉપસ્થિત રહેશે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે અસ્સી ઘાટ જશે અને લગભગ 10.00 કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને પછી 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા રવાના થશે.

વડાપ્રધાન ત્રીજી વખત કાળભૈરવ મંદિરે દર્શન કરવા પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કાશીના કોતવાલા બાબા કાળભૈરવના મંદિરમાં દર્શન કરશે અને પૂજા-અર્ચના પણ કરશે. અગાઉ તેમણે વર્ષ 2014 અને 2019માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.

વારાણસીમાં ફૂલોની માંગ વધી

વડાપ્રધાન મોદી બાબા કાળભૈરવ મંદિરમાં દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરવાના છે. આ ઉપરાંત વારાણસીના રસ્તાઓ પર રોડ-શો યોજાવાનો છે, તેથી આ તમામ કાર્યક્રમો ભવ્યાતિભવ્ય બનાવવા ફૂલોનો પણ ઉપયોગ થશે, તેથી મળતા અહેવાલો મુજબ ઘણા કાર્યક્રમો હોવાથી વારણસીમાં ફૂલોની માંગ વધી છે. 

વડાપ્રધાન મોદીનો પાંચ કિમી લાંબો રોડ-શો યોજાશે

વડાપ્રધાન મોદી 14મી મેએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે, જોકે તે પહેલા 13મી મેએ તેમનો પાંચ કિલોમીટર લાંબો રોડ-શો (Varanasi Road Show) યોજાવાનો છે. આ રોડ-શોને યાદગાર બનાવવા માટે માત્ર હજારો કિલો ફૂલોનો જ નહીં, આખા રોડને સજાવવામાં આવી રહ્યો છે. તેમના રોડ-શોમાં આખા રસ્તા પર પુષ્પવર્ષા પણ થશે.

વારાણસીના ફૂલ માર્કેટમાં ફૂલોની અછત સર્જાઈ

વારાણસીના ચોક વિસ્તારમાં બાંસફાટક ફૂલ માર્કેટના સંચાલક એકાંશ અગ્રવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદીના રોડ-શોને ધ્યાને રાખી કેટલાક દિવસોથી માર્કેટમાંથી ફૂલો ખરીદવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 5000 કિલો ગુલાબના ફૂલ અને 10 હજાર કિલો ગલગોટાના ફૂલ સામેલ છે. આટલી ખરીદી છતાં સ્થાનીક માર્કેટમાં ફૂલોની અછત સર્જાઈ છે. તેમણે કહ્યું કે, ફૂલોની વર્ષા માટે 20થી વધુ જગ્યા પર ફ્લાવર મશીન લગાવાયા છે. જ્યારે વડાપ્રધાન મોદીનો રોડ-શો યોજાય છે, ત્યારે આવી રીતે ફૂલોની અછત સર્જાય છે. આટલી મોટી સંખ્યામાં ફૂલોનું વેચાણ થતાં વેપારીઓની સાથે ખેડૂતો પણ ખુશ છે.

વડાપ્રધાન મોદીના વારાણસીમાં યોજાનાર 13મેના કાર્યક્રમો

  • સવારે 10.00 કલાકે વડાપ્રધાન મોદી પટણાના ગુરુદ્વારા જશે, ત્યારબાદ ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
  • સવારે 10.30 કલાકે હાઝીપુરમાં રેલી
  • બપોરે 12.00 કલાકે મુઝફ્ફરપુરમાં કાર્યક્રમ
  • બપોરે 02.30 કલાકે સારણમાં કાર્યક્રમ
  • સાંજે 05.00 કલાકે વારાણસીમાં રોડ-શો

વડાપ્રધાન મોદીના વારાણસીમાં યોજાનાર 14મેના કાર્યક્રમો

  1. વડાપ્રધાન મોદી સવારે અસ્સી ઘાટ જશે
  2. સવારે 10.15 કલાકે કાળભૈરવ મંદિરમાં દર્શન કરશે
  3. સવારે 10.45 કલાકે એનડીએ નેતાઓ સાથે બેઠક કરશે
  4. સવારે 11.40 કલાકે ઉમેદવારી પત્ર નોંધાવશે
  5. બપોરે 12.15 કલાકે પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે
  6. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા માટે રવાના થશે
  7. બપોરે 3.30 કલાકે કોડરમા-ગિરિડીહમાં ચૂંટણી સભા સંબોધશે

વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.


Google NewsGoogle News