મોટી ટ્રેન દુર્ઘટના, અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યાં
Sabarmati Express Train Accident News | મોડી રાતે લગભગ 2:30 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની.
અમદાવાદ આવી રહી હતી ટ્રેન
અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
ટ્રેનોની અવર-જવરને અસર
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.
કાનપુરના ડીએમએ આપી વિગતો
કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું કે આશરે 22 જેટલાં કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. અમે ઘટનાસ્થળે હાજર જ છીએ. કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અમુક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે પરંતુ અત્યાર સુધી કોઈને ગંભીર ઈજા થયાની માહિતી સામે આવી નથી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.