યુપીના કન્નૌજમાં મોટી દુર્ઘટના, રેલવે સ્ટેશન નજીક નિર્માણાધીન ઈમારતનું લેન્ટર પડતાં 36 મજૂર દટાયા
Uttar Pradesh Accident: ઉત્તરપ્રદેશના કન્નૌજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રેલવે સ્ટેશન પાસે અમૃત ભારત યોજના હેઠળ એક ઇમારતનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. શનિવારે આ ઇમારતનું લેન્ટર પડતાં લગભગ 36 જેટલાં મજૂરો દટાઈ ગયાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 6 મજૂરોને બચાવવામાં આવ્યા છે. અન્ય મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અધિકારીઓની ટુકડી પણ ત્યાં આવી પહોંચી હતી અને એમ્બ્યુલન્સનો કાફલો ખડકી દેવાયો હતો.
અમૃત ભારત યોજના હેઠળ કામ ચાલી રહ્યું હતું
કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત યોજના હેઠળ રેલવે સ્ટેશન નજીક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન મુસાફરોની સલામતી માટે પૂરતા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય બાંધકામમાં બેદરકારી દાખવનારાઓ પર કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી છે.