ઉત્તરપ્રદેશમાં મજૂરોને લઈ જતાં વધુ એક ટ્રેક્ટરનો બસ સાથે સર્જાયો અકસ્માત, 6નાં મોત, 6 ઘાયલ
કાસગંજ ટ્રેક્ટર દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થઈ ચૂક્યા છે
Uttarpradesh Accident News | ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 મજૂરોનાં મોતના અહેવાલ મળ્યાં હતા, જ્યારે અન્ય 6 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના રવિવારે મોડી રાત્રે 11.15 કલાકે બની હતી. રોડવેઝની બસ પ્રયાગરાજથી જૌનપુર તરફ આવી રહી હતી.
પોલીસે આપી માહિતી
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તારના સમાધગંજ પાસે થયો હતો. તમામ મજૂરો ઘરનું કાસ્ટિંગ કરીને પરત ફરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસ હાલ બચાવ કામગીરીમાં લાગેલી છે. તમામ મજૂરો અલીશાહપુર ગામના રહેવાસી હતા.
કાસગંજમાં 24 લોકોના મોત થયા
હાલમાં જ યુપીના કાસગંજમાં ટ્રેક્ટર ટ્રોલી અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 24 લોકોનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીની સવારે કાસગંજમાં એક ટ્રેક્ટર-ટ્રોલી પલટીને તળાવમાં ખાબકી ગઈ હતી, જેના કારણે 7 બાળકો સહિત 24 લોકોનાં મોત થયા હતા.