Get The App

ઉત્તરપ્રદેશમાં બે બસો વચ્ચે ભીષણ ટક્કરમાં 4 લોકોનાં મોત, 49થી વધુ ઈજાગ્રસ્ત, 17ની હાલત ગંભીર

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં બે બસો વચ્ચે ભીષણ ટક્કરમાં 4 લોકોનાં મોત, 49થી વધુ ઈજાગ્રસ્ત, 17ની હાલત ગંભીર 1 - image


Rampur Road Accident: લખનઉ દિલ્હી હાઈવે પર સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચેની ભીષણ ટક્કરમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે 49થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનો ટ્રાફિક વન-વે કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકમાં ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે અથડાઈ હતી.

સવારે 4:00 વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી. બંને બસના આગળના ભાગનો તૂટીને કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઘાયલોમાં ચીસા-ચીસ થઈ હતી. અકસ્માતની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા બંને બસમાંથી ઈજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં ઘાયલોને જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલ પરિસરના ફ્લોર પર પડેલા ઈજાગ્રસ્તો દર્દથી પીડાઈ રહ્યા હતા. હોસ્પિટલમાં દરેક જગ્યાએ ઘાયલ જ નજર આવી રહ્યા હતા.

17ની હાલત ગંભીર

ગંભીર રીતે ઘાયલ 17 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 13 મુસાફરોને મિલક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર બાદ અન્ય મુસાફરો રવાના થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ જોગેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, મૃતકોમાં ખાનગી બસનો ડ્રાઈવર પણ સામેલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલ પહોંચીને ઘાયલોની ખબર પૂછી હતી. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને મુસાફરોને ઘરે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.


Google NewsGoogle News