VIDEO : મુજ કો રાણાજી માફ કરના... વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં બાર ડાન્સરના અશ્લીલ ડાન્સથી વિવાદ
ગાઝિયાબાદના મોદીનગરના શકૂરપુરની ઘટના, ગ્રામ પ્રમુખે કહ્યું, ‘કોઈએ મંચનો દુરૂપયોગ કર્યો’
કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો ઉપરાંત ભાજપના ઘણા નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા
ગાઝિયાબાદ, તા.31 નવેમ્બર-2023, રવિવાર
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે. ગાઝિયાબાદ સ્થિત મોદીનગરના શકૂરપુર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમો વીડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં મહિલા ડાન્સર ‘મુજ કો રાણાજી માફ કરતા ગલતી મારે સે હો ગઈ...’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. અહેવાલો મુજબ આયોજકોએ ભીડને એકઠી કરવા મંચ પર મહિલા ડાન્સને ડાન્સ કરાવ્યો હતો. આ મામલે વિવાદ વધતા અધિકારીઓએ કહ્યું કે, કાર્યક્રમમાં આવું કોઈ આયોજન કરાયું નથી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ ભોજપુરના શકુરપુર ગામમાં શનિવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ફૂહડ ડાન્સ કરાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહ્યો છે. મંચ પર ગ્રામપ્રમુખ બબલી ચૌધરી ઉપરાંત સાંસદ ડૉ.સત્યપાલ સિંહ અને ધારાસભ્ય ડૉ.મંજૂ શિવાચનું બેનર પણ હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો ઉપરાંત ભાજપના ઘણા નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
‘કોઈએ મંચનો દુરૂપયોગ કર્યો’
ગ્રામ પ્રમુખ બબલી ચૌધરીએ કહ્યું કે, હું કાર્યક્રમ સમાપ્ત થયા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. કોઈએ મંચનો દુરૂપયોગ કર્યો છે. આ મામલે બીડીઓ ભોજપુર પીયૂષ રાયે કહ્યું કે, કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય ઉપસ્થિત હતા. કાર્યક્રમનું આયોજન ગૌરવપૂર્ણ થયું છે. આ ઘટના કાર્યક્રમ સમાપ્ત થયા બાદ સ્થાનિક સ્તરે બની છે.