નોઈડાના 105 ગામોના ખેડૂતોનું NTPCના કાર્યાલય પર હલ્લાબોલ, પોલીસ કાફલો ખડકાયો
18 દિવસથી ખેડૂતોના ધરણા બાદ મામલો બિચક્યો
વર્ષોથી કરી રહેલી માંગ પુરી ન થતા ખેડૂતોમાં રોષ
Farmer Potest in Noida : નોઈડામાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ ફરી એનટીપીસીની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો છે. આજે સેક્ટર-24માં હજારોની સંખ્યામાં ખેડૂતો એનટીપીસીને તાળુ મારવા પહોંચ્યા હતા. જોકે પોલીસ તુરંત કાફલા સાથે દોડી આવી ઓફિસને ચારોતરફથી બેરેકથી ઘેરી લીધી છે. હાલ આ વિસ્તાર સંપૂર્ણ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ખેડૂતોએ જમીન વળતર મામલે હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જમીન સંપાદનની માંગ મામલે ખેડૂતો રોષે ભરાયા
નોઈડા-ગ્રેટર નોઈડાના હજારો મહિલા, વૃદ્ધ ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી એનટીપીસીની ઓફિસ બહાર ધરણા કરી રહ્યા છે. ખેડૂતો એનટીપીસીએ વર્ષો પહેલા સંપાદન કરેલી જમીનના બદલે વળતર, 10 ટકા પ્લોટ અને નોકરીની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વર્ષોથી એનટીપીસી વિરુદ્ધ પ્રદર્શનો કરતા રહે છે. જોકે તેમની માંગણી ન સંતોષાતા ખેડૂતોએ ઓફિસની બહાર ધરણા શરૂ કર્યા અને આજે ધરણાને 18 દિવસ પુરા થયા હતા. કડકડતી ઠંડી વચ્ચે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે.
ખેડૂતો 18 દિવસથી ધરણા પર
ધરણાને 18 દિવસ વિતવા છતાં માંગ પુરી ન થતા ખેડૂતોએ ખેડૂત નેતા સુખબીર ખલીફાના આહવાન બાદ ઓફિસ પર હલ્લાબોલ કર્યું હતું. મળતા અહેવાલો મુજબ આ ખેડૂતોમાં નોઈડા ઓથિરિટી પ્રભાવિત 81 ગામોના ખેડૂતો અને NTPCથી પ્રભાવિત 24 ગામોનો ખેડૂતો, એટલે કે જિલ્લાના 105 ગામના ખેડૂતો આજે સેક્ટર-24 સ્થિત એનટીપીસી ઓફિસ પર તાળું મારવા પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકાયો
પોલીસને ખેડૂતોની ભીડ અંગે જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ રસ્તાઓને ડાયવર્ટ કરી દીધા હતા. પોલીસે એનટીપીસીની ઓફિસને ચારેકોરથી બેરેકથી ઘેરી લીધી હતી. ખેડૂતો ઓફિસમાં ઘૂસવા છેક ગેટ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. હાલ તમામ ખેડૂતો ઓફિસની બહાર હોવાનું અહેવાલો મળી રહ્યા છે.