Get The App

ઉત્તરપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, આઠ મકાન ધરાશાયી, પાંચના મોત

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, આઠ મકાન ધરાશાયી, પાંચના મોત 1 - image


Bareilly Firecracker Factory Blast : ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થવાની ઘટના બની છે. આ ઘટનામાં આઠ મકાનો ધરાશાયી થયા છે, તો પાંચના મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા છે, તેની વિગતો સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અહીં પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

મૃત્યુઆંક વધવાની આશંકા

મળતા અહેવાલો મુજબ આ ફેક્ટરી બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન હેઠળના કલ્યાણપુર ગામમાં આવેલી છે, જેમાં આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ ભયંકર ધડાકો થયો છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરી ગેરકાયદેસ ચલાવાતી હતી અને તેની આસપાસ અનેક રહેણાંક મકાનો આવેલા છે. આજે આઠ મકાનો ધરાશાયી થયા છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : ‘સૌથી સુંદર દેખાતી યુવતીઓ...’ NCPના ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરી કર્યું વિવાદાસ્પદ નિવેદન

કાટમાળ નીચેથી ચાર લોકોને જીવતા બચાવાયા

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્થળ પર એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા, જેના કારણે રહેમાન શાહના ઘર સહિત આસપાસના અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળ નીચે અનેક લોકો દબાતા હાલ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત બે મહિલાઓ કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામી છે. જ્યારે ચાર લોકોને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલાયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બે બાળકો હસન અને હસનાન ગુમ છે. SSPએ એસપી ટ્રાફિક અને સીઓ મીરગંજને ઘટનાસ્થળે મોકલ્યા છે.

ફેક્ટરીમાં ગેરકાયદે ફટાકડા બનાવાતા હતા

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલીમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પોતાની જગ્યાએ ગેરકાયદે ફટાકડા બનાવી નાઝીમ અને નાસીરને મોકલતો હતો.

આ પણ વાંચો : ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ

ફિરોઝાબાદમાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતા સાત મકાનો ધરાશાયી થયા હતા

રાજ્ય પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલા ફિરોઝાબાદ જિલ્લામાં એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલા અને બે બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસના 7 જેટલા મકાનો ધરાશાયી થયા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં 10થી વધુ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


Google NewsGoogle News