શું એક થઈ જશે ગાંધી પરિવારના બે ભાઈઓ? વરુણ ગાંધીને કોંગ્રેસે આપ્યું આમંત્રણ
વરૂણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા અધીર રંજનનું આમંત્રણ, ટિકિટ પણ આપશે
ભાજપના ફાયર-બ્રાન્ડ કહેવાતા વરૂણ ગાંધીના રાહુલ-પ્રિયંકા સાથે પણ સારા સંબંધ
Lok Sabha Elections 2024 : ભાજપે પીલીભીત લોકસભા બેઠક પરથી વરૂણ ગાંધીની ટિકિટ કાપી નાખતા કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને તેણે વરૂણ ગાંધીને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરામપુરના સાંસદ અને વર્તમાન લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરૂણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
અધીર રંજનનું વરૂણને કોંગ્રેસમાં આવવા આમંત્રણ
અધીર રંજને (Adhir Ranjan Chowdhury) વરૂણ ગાંધીને ચૂંટણીમાં ટિકિટ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગાંધી પરિવાર સાથે વરૂણ ગાંધીનો સંબંધ હોવાથી ભાજપે તેમની ટિકિટ કાપી છે. વરૂણ મોટા નેતા છે, તેમની ટિકિટ બિલકુલ કપાવી ન જોઈએ. વરૂણ ગાંધીએ કોંગ્રેસમાં આવી જવું જોઈએ. તેમના આવવાથી ખુશી થશે. તેઓ મોટા દબંગ નેતા છે, શિક્ષિત વ્યક્તિ પણ છે, સ્વચ્છ છબી ધરાવે છે અને ગાંધી પરિવાર સાથે પણ લગાવ છે, આ જ કારણે ભાજપે (BJP) તેમને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો છે, તેથી જ તેમણે કોંગ્રેસમાં આવવું જોઈએ.’
ભાજપે વરૂણના બદલે જિતિન પ્રસાદને ટિકિટ આપી
લોકસભા બેઠકો માટે ભાજપે 24 માર્ચે 111 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદી જાહેર થયા બાદ સૌથી વધુ પીલીભીત બેઠકની ચર્ચાઓ શરૂ થઈ હતી. ભાજપે પીલીભીતના વર્તમાન સાંસદ વરૂણ ગાંધીની ટિકિટ કાપી યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. વરૂણ ગાંધી ઘણા સમયથી પોતાની જ સરકાર પર પ્રહારો કરતા હતા. જોકે તાજેતરમાં તેઓ એક મંચ પર ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જોકે અગાઉથી જ એવી અટકળો હતી કે, તેમી ટિકિટ કપાશે. હવે ભાજપે તેમના સ્થાને જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જિતિન પ્રસાદ યોગી સરકારમાં વર્તમાન મંત્રી છે.
વરૂણ ગાંધી ભાજપના ફાયર-બ્રાન્ડ નેતા કહેવાતા
એક દશક પૂર્વે વરૂણ ગાંધીની ગણના ભાજપમાં ‘ફાયર-બ્રાન્ડ’ નેતા તરીકે થતી હતી. તેઓને ભાજપના (ઉત્તરપ્રદેશના) મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે પણ મનાતા હતા. પરંતુ 2017માં ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. તેનું કારણ તે હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી વરૂણ ખેડૂત આંદોલન, બેકારી, અને મોંઘવારી સહિત કેટલાએ મુદ્દાઓએ પોતાના જ પક્ષની સરકારો ઉપર હુમલા કરી રહ્યા હતા. ત્યારથી હવા ચાલી રહી હતી કે કદાચ આ વખતે વરૂણની ટિકીટ કાપવામાં આવશે.
વરૂણ ગાંધી ભાજપના સાંસદ છતાં ભાજપની ટીકા કરતા
વરુણ ગાંધી સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, વરુણે એરપોર્ટ પર દારૂની દુકાનોની જેમ રેલવે સ્ટેશનો પર દારૂના વેચાણને મંજૂરી આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. અગાઉ, ઑક્ટોબર 2023 માં, તેમણે અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા બદલ યુપી સરકારના વહીવટની ટીકા કરી હતી. આ પહેલા 2020-21માં વરુણે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વરુણને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ એવી અટકળો હતી કે, વરુણ ગાંધી 2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ શકે છે, પરંતુ એવું બન્યું નહીં.
...તો કોંગ્રેસ એક દિગ્ગજ ચહેરો મળશે
જો વરૂણ ગાંધી (Varun Gandhi) કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડશે તો ગાંધી પરિવારના ગઢ અમેઠી અને રાયબરેલી બેઠક પર કોંગ્રેસ (Congress)ની મજબૂતી વધશે. તેઓ કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ એક દિગ્ગજ ચહેરો મળી જશે. દાવા મુજબ વરૂણ ગાંધીની રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સાથે વાતચીત થતી રહે છે. પ્રિયંકાના વરૂણ સાથે સારા સંબંધો છે અને રાજકારણમાં કંઈપણ સંભવ છે.