ન રાહુલ, ન પ્રિયંકા... અમેઠીની બેઠક પર સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ચૂંટણી લડશે રૉબર્ટ વાડ્રા?
મને અન્ય પક્ષોના ઘણા સાંસદોનું સમર્થન, સામેલ થવા કહ્યું : વાડ્રા
વાડ્રાએ કહ્યું, પાર્ટી લાઈનથી ઉપર મારી ઘણા લોકો સાથે મિત્રતા
Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે, 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ દિવસે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની આઠ બેઠક પર પણ મતદાન યોજાશે. જોકે કોંગ્રેસે ઉત્તર પ્રદેશની બે હોટ બેઠકો અમેઠી (Amethi Seat) અને રાયરેલી (Raebareli Seat)માં હજુ પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી, ત્યારે અમેઠી બેઠક અંગે કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના જમાઈ રૉબર્ટ વાડ્રા (Robert Vadra)નું મોટું નિવેદન સામે આવ્યું છે.
અમેઠીમાંથી રૉબર્ટ વાડ્રા ચૂંટણી લડશે?
પ્રિયકા ગાંધીના પતિ રૉબર્ડ વાડ્રાએ આજે કહ્યું કે, ‘અમેઠીના લોકો ઈચ્છે છે કે, હું વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાની (Smriti Irani) વિરુદ્ધ ચૂંટણી લડું. અમેઠીના લોકોએ પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને મને લાગે છે કે, હવે તેઓ ઈચ્છે છે કે, ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠીનું પ્રતિનિધિત્વ કરે. એટલું જ નહીં મને અમેઠીના લોકોએ વિનંતી કરી છે કે, જો હું રાજકારણમાં સામેલ થઉં, તો અમેઠીની પસંદગી કરું. મને યાદ છે કે, મેં વર્ષ 1999માં પ્રિયંકા સાથે રાજકીય અભિયાન શરૂ કર્યું હતું.’
રૉબર્ટ વાડ્રાએ સ્મૃતિ ઈરાની પર સાધ્યુ નિશાન
તેમણે વધુમાં કહ્યું કે, ગાંધી પરિવારો રાયબરેલી, અમેઠી, સુલ્તાનપુરમાં વર્ષોથી આકરી મહેનત કરી. વાસ્તવમાં અમેઠીના લોકો વર્તમાન સાંસદથી પરેશાન છે. તેમને લાગી રહ્યું છે કે, તેમની પસંદગી કરીને ભુલ કરી છે. હું ઈચ્છું છું કે, પહેલા પ્રિયંકા સાંસદ બને અને પછી મને લાગ્યું કે, હું પણ આવી શકું છું. હું લોકો સાથે વાતચીત કરું છું અને અન્ય પક્ષોના સાંસદો મને તેની સાથે સામેલ કરવા માંગે છે. તેઓએ મને સમર્થન આપવાનું આશ્વાસન પણ આપ્યું છે, તેથી જ દેશભરના વિવિધ પક્ષો મને જોડાવાનું કહી રહ્યા છે. પાર્ટી લાઈનથી ઉપર મારી ઘણા લોકો સાથે મિત્રતા છે.’
કોંગ્રેસનો ગઢ અમેઠી બેઠકનો ચૂંટણી ઈતિહાસ
ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય છે, જોકે વર્ષ 2019માં અમેઠીની પ્રજાએ મિજાજ બદલી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીના બદલે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને પસંદ કરી સાંસદ બનાવ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ અમેઠીમાં વર્ષ 2004, 2009 અને 2014માં જીત હાંસલ કરી હતી, જોકે ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી
કોંગ્રેસે હજુ સુધી અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જ્યારે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વર્તમાન સાંસદ સોનિયા ગાંધી રાજ્યસભામાં જતા રહ્યા હોવાથી આ વખતે અમેઠી અને રાયબરેલીનું મહત્વ વધી ગયું છે. એવી અટકળો પણ સામે આવી છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) 2019ની જેમ અમેઠી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટણી લડશે અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રા રાયબરેલીથી ચૂંટણીની શરૂઆત કરી શકે છે. જોકે આ બેઠકો પર સસ્પેન્સ યથાવત્ છે, પરંતુ રોબર્ટ વાડ્રાએ મોટો સંકેત આપ્યો છે કે, તેઓ અમેઠીથી ચૂંટણી લડવા તૈયાર છે.