હવે વારાણસી, અયોધ્યા અને મથુરામાં મંદિરની નજીક નહીં થઈ શકે આ કામ, CM યોગીએ આપ્યા આદેશ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
હવે વારાણસી, અયોધ્યા અને મથુરામાં મંદિરની નજીક નહીં થઈ શકે આ કામ, CM યોગીએ આપ્યા આદેશ 1 - image


Image Source: Twitter

- શહેરોમાં ઈલેક્ટ્રિક બસોને પ્રાધાન્ય આપવામાં આવે: CM યોગી

વારાણસી, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ GIS આધારિત મહાયોજના-2031ની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ દરમિયાન CMએ કહ્યું કે જે શહેરોની ઓળખ મંદિરો અથવા અન્ય પ્રતિષ્ઠિત ઈમારતોથી છે તેમની પ્રાચીનતા અને ઐતિહાસિકતાને જાળવી રાખવા માટે તેમની આસપાસ તે ઈમારત કે મંદિર કરતાં ઊંચી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં ન આવે. આ વ્યવસ્થાને માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવે.

સીએમ યોગીએ અલગ-અલગ શહોરોની મહાયોજના પર વિચાર કરતા કહ્યું કે, નગરોમાં ટ્રાફિક મેનેજમેન્ટ એ એક મહત્વપૂર્ણ વિષય છે. આપણે તેના માટે ઠોસ પ્રયાસો કરવાની જરૂર છે. શહેરોમાં ઈલેક્ટ્રિક બસોને પ્રાધાન્ય આપવામાં આવે. પરંપરાગત ઈંધણની બસોને શક્ય તેટલી શહેરની બહાર રાખવામાં આવે. મલ્ટિલેવલ પાર્કિંગ માટે યોગ્ય જગ્યા નક્કી કરવામાં આવે.

ગ્રીન બેલ્ટ માટે જગ્યા અનામત રાખવી

CMએ કહ્યું કે, રાજ્યના દરેક મોટા શહેરોમાં અપાર સંભાવનાઓ છે. GIS- 2023માં દરેક જિલ્લામાં મોટું રોકાણ આવ્યું છે. આવી સ્થિતિમાં મથુરા-વૃંદાવન, ગોરખપુર, વારાણસીની મહાયોજનામાં મેડિસિટી, સ્પોર્ટ્સ સિટી, એજ્યુકેશન સિટી, કન્વેન્શન સેન્ટર વગેરે માટે સ્પષ્ટ ક્ષેત્ર નક્કી કરીને વ્યવસ્થાને આગળ વધારવામાં આવે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે, દરેક શહેરની મહાયોજનામાં 15-16% ગ્રીન બેલ્ટ માટે અનામત રાખવામાં આવે. જ્યાં પણ ગ્રીન બેલ્ટ છે ત્યાં કોઈ પણ સંજોગોમાં નવી કોલોની ન બનવી જોઈએ.

આવાસ સેક્ટરને વિકસિત કરવાનો નિર્દેશ

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની અર્થવ્યવસ્થાને $1 ટ્રિલિયનની બનાવવા માટે આવાસ સેક્ટરની મોટી ભૂમિકા છે. સ્પેશિયલ ઈકોનોમી ઝોન તથા ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્ર નજીક નવા ટાઉનશિપનો વિકાસ જરૂરી છે. આજે ઉત્તર પ્રદેશ મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની યજમાની કરી રહ્યું છે. રાજ્યના દરેક શહેરને આવી તકો મળે તે માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ જરૂરી છે. તમામ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેન્શન સેન્ટર વિકસિત કરવામાં આવે.

ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવી શક્યતાઓ શોધવી પડશે. મહાનગરપાલિકાની બહાર એક્સટેન્શન લેવાનું રહેશે. આવકના નવા સ્ત્રોતોનું સર્જન કરો. ગોરખપુર વિકાસ ક્ષેત્રની વર્તમાન વસ્તી અંદાજે 14 લાખ છે અને આગામી 10 વર્ષમાં આ વસ્તી વધીને 25 લાખ અને અને 2047 સુધીમાં આ વસ્તી વધીને 50 લાખ થવાની સંભાવના છે. $1 ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ગોરખપુરની સાથે સાથે સમગ્ર પૂર્વાંચલ ક્ષેત્ર એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. લક્ષ્‍યાંકને પૂર્ણ કરવા માટે આપણે નાના અને મધ્યમ સ્તરના ટેકનોલોજીકલ સાહસોને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે.

સીએમએ કહ્યું કે દરેક ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન પ્લાનર તૈનાત કરવામાં આવે. યોગ્ય, કાર્યક્ષમ યુવાનોની પસંદગી કરવી અને તેમને તાલીમ આપો. IIT અથવા રાજ્ય સરકારની ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લેવો જોઈએ. વારાણસીના રિંગરોડ સુધી માસ્ટરપ્લાનને વિસ્તાર આપવામાં આવે. મથુરા-વૃંદાવનમાં પર્યટક સુવિધાઓમાં વધારો કરવો જરૂરી છે. અહીં ગોવર્ધન અને વૃંદાવન પરિક્રમા રૂટને મજબૂત કરવામાં આવે.



Google NewsGoogle News