‘જે લોકો પથ્થમારો કરશે, તે હવે બચશે નહીં’ : સંભલ હિંસા મુદ્દે વિધાનસભામાં ભડક્યા યોગી આદિત્યનાથ
Sambhal Violence History : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંભલ હિંસાનો મુદ્દો ઉઠળતા ભારે હંગામો થયો છે. ગૃહમાં હોબાળા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ હિંસા મુદ્દે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંભલ હિંસાના ડરામણા ઈતિહાસનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘વિરોધીઓએ સંભલમાં માહોલ બગાડ્યો. સંભલમાં 1947થી હિંસાનો ઈતિહાસ છે. ત્યાં 1948, 1958, 1962, 1978માં હિંસા થઈ હતી. 1978માં 184 હિંદુઓને જીવતા સળગાવી દેવાયા હતા. વિપક્ષો આ સત્યનો સ્વિકાર નહીં કરે. 1980માં ફરી હિંસા થઈ હતી. 1986, 1990, 1992, 1996માં પણ માહોલ બગડ્યો હતો.’ તેમણે કહ્યું કે, ‘જે લોકો પથ્થમારો કરશે, તે હવે નહીં બચી શકે.’ આ સાથે તેમણે દાવો કર્યો છે કે, ‘પુરાવા વગર કોઈની ધરપકડ કરવામાં આવતી નથી.’
હિંસાની ઘટનાઓ ઘટી : યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે NCRBના આંકડાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં 2017થી અત્યાર સુધીમાં કોમી રમખાણોમાં 95 ટકાનો ઘટાડો થયો છે. 2017 બાદ એક પણ હિંસા થઈ નથી. સમાજવાદી પાર્ટીના શાસનમાં હિંસામાં 192 લોકોના મોત થયા હતા. જય શ્રી રામ કેવી રાતે સાંપ્રદાયિક નારો થઈ ગયો? પોતાના સંબોધનમાં રામ રામ બોલે છે તો પછી કોઈ જય શ્રી રામ બોલે તો શું થયું? આ ચિડાવવા માટે બોલવામાં આવ્યું નથી.
વિપક્ષ સત્ય પર પડદો ઢાંકી રહ્યા છે : મુખ્યમંત્રી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘સંભલના શેખ અને પઠાણ બોલી રહ્યા છે કે, તેઓ પહેલા હિન્દુ હતા. વિપક્ષ સત્ય પર પડદો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્ય છુપાવી ન શકાય, સત્ય સામે આવશે. બાબરનામા કહે છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવ્યું. 19 અને 21 નવેમ્બરે સર્વે થયો હતો. 23 નવેમ્બરે શુક્રવારની નમાજ દરમિયાન આપવામાં આવેલા ભાષણથી વાતાવરણ બગડ્યું.’
‘હિન્દુઓનું સરઘસ કોઈ મસ્જિદ પાસેથી પસાર થાય તો’
તેમણે કહ્યું કે, ‘મહોરમનું જુલૂસ હોય કે પછી કોઈપણ મુસ્લિમ સમાજનું જુલૂસ હોય તો તે હિન્દુ વિસ્તારમાંથી શાંતિથી પસાર થાય છે, પરંતુ જો હિન્દુઓનું સરઘસ કોઈ મસ્જિદ પાસેથી પસાર થાય તો હિંસા કેમ થાય છે? બહરાઈચમાં રસ્તા પર સામેથી હિંસા નહોતી ભડકી, ઘરોની અંદરથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસ ઘરમાં ઘૂસી હોત તો જુદાં જ આક્ષેપો કરાયા હોત. અમે મંદિર સાથે કોઈ છેડખાની કરી નથી, પરંતુ કુવા કોણે પૂર્યા? મૂર્તિઓ ક્યાંથી મળી રહી છે? શશફીકુર્રહમાન રહમાન પોતાને ભારતનો નાગરિક નહીં પરંતુ બાબરનો સંતાન ગણાવે છે. ભારતની અંદર બાબર અને ઔરંગઝેબની પરંપરા નહીં રહે.’
‘વિપક્ષો શિયા અને સુન્નીને લડાવતા હતા’
બહરાઈચમાં ઘટના સ્થળે ચાર ચાર કંપનીઓ તહેનાત કરાઈ હતી. બહરાઈચની ઘટના ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. જો હિન્દુ મહોલ્લામાંથી મુસ્લિમોનું જુલૂસ નીકળી શકે તો મુસ્લિમ વસ્તીમાંથી હિન્દુઓનું સરઘસ કેમ નીકળી શકતું નથી? લખનઉનો શિયા-સુન્ની વિવાદ ભાજપના શાસનમાં ખતમ થયો છે. વિપક્ષો શિયા અને સુન્નીને લડાવતા હતા. તેથી જ અમે કહ્યું કે, ‘ન બટેગે, ન કટેગેં.’