VIDEO: ગૂગલ મેપના સહારે મુસાફરી કરવી ભારે પડી ! શૉર્ટકટના ચક્કરમાં કેનાલમાં ખાબકી કાર
All Image Source - X (Twitter) |
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગૂગલ મેપે દગો આપ્યો હોવાની ઘટના સામે આવી છે. ધુમ્મસને કારણે ત્રણ મિત્રો મેપના સહારે પીલીભીત જઈ રહ્યા હતા, આ દરમિયાન શૉર્ટકટ લેવાના ચક્કરમાં તેમની કાર નદીમાં ખાબકી ગઈ છે. સદ્નસીબે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. આ પહેલા 24 નવેમ્બરે અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ યુવકોના મોત થયા હતા.
Image Source - X (Twitter) |
મેપમાં શોર્ટકટ દેખાતાં કાર વાળતાં જ કેનાલમાં ખાબકી
કેનાલમાં કાર ખાબકી જવાની ઘટના અંગે ઇજ્જતનગરના ઇન્સ્પેક્ટર ધનંજય પાંડેએ કહ્યું કે, ‘ઔરેયાના રહેવાસી મહેન્દ્ર પ્રતાપ સિંહ તેમના બે મિત્રો સાથે સોમવારે રાત્રે ત્રણ વાગે કારમાં પીલીભીત જઈ રહ્યા હતા. ધુમ્મસ છવાયેલું હોવાના કારણે તે લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા હતા. તેઓને મેપમાં ઇજ્જતનગરના કલાપુર પુલ પાસે શૉર્ટકટ દેખાયો હતો અને તુરંત કારને કેનાલ તરફ વાળી દીધી હતી. ત્યાંથી થોડે દૂર બરકાપુર તિરાહા ગામનો રસ્તો તૂટેલો હોવાથી કાર કેનાલમાં પલટી ગઈ હતી.
અગાઉ ખલ્લુપુરમાં આવેલો પુલ અધુરો હોવાથી કાર નીચે ખાબકી હતી, જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. - Image Source -X (Twitter) |
યુવકોએ કાર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો
સદ્નસીબની વાત એ છે કે, તેઓની કાર ધીમી હોવાના કારણે તેમજ કેનાલમાં પાણી ન હોવાથી તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. તેમાંથી કોઈને પણ ઈજા થઈ નથી. કાર ખાબક્યા બાદ તેઓએ કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પ્રયાસ નિષ્ફળ જતાં ઉત્તરપ્રદેશના 112 નંબર પર ફોન કર્યો. ત્યારબાદ પોલીસ ક્રેન લઈને પહોંચી અને તે લોકોને બહાર કાઢ્યા હતા.
અગાઉ અધૂરા પુલ પરથી કાર પટકાતા ત્રણના મોત થયા હતા.
આ પહેલા 24 નવેમ્બરે ફરીદપુરના ખલ્લુપુરમાં આવેલો પુલ અધૂરો હોવાથી કાર નીચે ખાબકી હતી, જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. ત્રણેય લોકો લગ્ન સમારંભમાં જઈ રહ્યા હતા અને ગૂગલ મેપ પર વિશ્વાસ રાખી બાંધકામ થઈ રહેલા પુલ પર ચઢી ગયા હતા. આ ઘટના બાદ બદાયુ પોલીસે ગૂગલને નોટિસ મોકલી છે. આ ઉપરાંત પોલીસે ગૂગલને જે વિસ્તારમાં ઘટના બની તે ક્ષેત્રના મેનેજરનું નામ અને સરનામું આપવા કહ્યું છે. ગૂગલ તરફથી જવાબ મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.