VIDEO: હાથરસમાં ભયાનક અકસ્માત, 30 મુસાફરો ભરેલો ટેમ્પો બસ સાથે અથડાયો, 15 મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
Road Accident In Hathras : ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે સાંજે ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં 30 મુસાફરોને લઈ જઈ રહેલો લોડર ટેમ્પો અને બર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટેમ્પામાં બેઠેલા તમામ મુસાફરો 13મીમાં ગયા હતા
મળતા અહેવાલો મુજબ લોડર ટેમ્પોમાં લગભગ 30 લોકો સવાર હતા. આ તમામ મુસાફરો મુકુંદ ખેડીમાં તેરમામાં ગયા હતા અને ત્યાંથી ખંદૌલીના સેવલા ગામમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આગરા-અલીગઢ બાઈપાસ પાસેના મીતઈ ગાંવ પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
ઈજાગ્રસ્તોમાં ચારની હાલત ગંભીર
પોલીસ અધીક્ષક નિપુલ અગ્રવાલે કહ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાસનીથી ખંદૌલી આવી રહ્યા હતા. હાલ ડ્રાઈવરની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્તોમાં ચારની સ્થિતિ ગંભીર છે અને તેઓને હાયર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને સંવેદના પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે ઈજાગ્રસ્તોને વહેલીતકે સારી સારવાર આપવાના પણ આદેશ આપ્યા છે.