VIDEO: યુપીમાં વરુના હુમલામાં નવ મોત બાદ યોગી સરકાર એક્શનમાં, 200 કર્મચારીનું ‘ઓપરેશન ભેડિયા’
Wolf Attack in Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાં વરૂના હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આદમખોર વરૂનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યો છે, જેના કારણે 34 ગામના લોકો ભયભીત છે. હવે આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે, તો બીજીતરફ મુખ્યમંત્રી યોગી સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. વરૂના હુમલામાં નવ લોકોના મોત થયા બાદ તંત્ર દ્વારા ‘ઓપરેશન ભેડિયા’ શરૂ કરવામાં આવ્યું છે.
માનવભક્ષી વરૂ વધુ એક બાળકને ઉઠાવી ગયો
મળતા અહેવાલો મુજબ માનવભક્ષી વરૂએ બદરાઈચમાં સોમવારે ફરી હુમલો કર્યો હતો અને માતાની પડખે સુઈ રહેલા બાળકને ઉઠાવી ગયો છે. બાળકનો મૃતદેહ મંગળવારે સવારે 500 મીટર દૂર મળી આવ્યો હતો. વરુ બાળકનું માથું ખાઈ ગયો હતો, બાળકના આખા શરીર પર નિશાન જોવા મળ્યા હતા. વરુએ રવિવારે પણ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. આમ 24 કલાકમાં વરૂના હુમલામાં બેના મોત થયા હતા. રાજ્યમાં આદમખોર વરુના હુમલામાં 47 દિવસમાં નવના મોત અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ તમામ ગ્રામજનો ભયભીત છે.
વરૂને પકડવા માટે 200 કર્મચારીઓનું ઓપરેશન
વન વિભાગના જણાવ્યા મુજબ વરૂના હુમલામાં લગભગ 35 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત છે. વન વિભાગની નવ ટીમોના 200 કર્મચારીઓ વરૂને પકડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ ઉપરાંત ત્રણ ડીએફઓ પણ ઓપરેશનમાં જોડાયા છે. વરૂ પર CCTV અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. બે દિવસની તપાસ દરમિયાન ડ્રોન કેરેમાં ચાર વરૂ જોવા મળ્યા છે.
મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાની સહાય
વરૂના હુમલાની ઘટના બાદ ડીએમ મોનિકા રાનીએ કહ્યું કે, મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય અપાશે ક્રિટિકલ ગેપ ફંડ હેઠળ આ હુમલાઓથી પ્રભાવિત ગામોમાં 20 લાખ રૂપિયાની રકમથી સોલર અને હાઈમાસ્ટ લાઈટો લગાવાશે.
ત્રણ વરૂ પકડાયા
અત્યાર સુધીમાં ત્રણ વરૂ પકડાયા છે. 18 ઓગસ્ટે હરડી વિસ્તારના સિસૈયા ચુડામણીમાં વરૂ પાંજરામાં પૂરાયો હતો. આ પહેલા કુલૈલા ગામમાં નર વરૂને પાંજરામાં કેદ કરાયો હતો. અગાઉ એક માદા વરૂને પણ પકડવામાં આવ્યો હતો. મક્કા પુરવા અને કુલૈલામાં ચાર પાંજરા મુકવામાં આવ્યા છે.