વડાપ્રધાન મોદી દ્વારા થનારી પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મની પ્રક્રિયા વિરુદ્ધ, હાઈકોર્ટમાં PIL દાખલ
PIL દાખલ કરનાર અરજદારે પ્રાણપ્રતિષ્ઠા અંગે ઘણા આધાર રજુ કર્યા
અરજીમાં PM મોદી, CM યોગી અને શંકરાચાર્યનો પણ ઉલ્લેખ
Ayodhya Ram Mandir Pran Pratishtha PIL : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે, તે અગાઉ સોમવારથી ધાર્મિક વિધિ પણ શરૂ કરી દેવાઈ છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માંગ
હાઈકોર્ટમાં PIL દાખલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા થનારા રામલલાની મૂર્તિ (Ramlala Idol)ની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે. અરજીમાં પ્રાણપ્રતિષ્ઠા અંગે શંકરાચાર્યો (Shankaracharya)ના વાંધાનો ઉલ્લેખ કરી તેને સનાતન પરંપરા વિરુદ્ધ ગણાવ્યો છે. એવું પણ કહેવાયું છે કે, આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election)નો લાભ ઉઠાવવા BJP આવું કરી રહી છે. અરજી પર તુરંત સુનાવણીની માંગ કરવામાં આવી છે.
અરજદારે પ્રાણપ્રતિષ્ઠા અંગે ઘણા આધાર રજુ કર્યા
ગાજિયાબાદના ભોલા દાસની અરજીમાં કહેવાયું છે કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે, જ્યાં નિર્માણાધીન મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાશે અને તેમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહેવાના છે, જે ખોટું છે. અરજદારે આ મામલે ઘણા આધાર રજુ કર્યા છે.
અરજદારે અરજીમાં શું કહ્યું?
પીઆઈએલમાં જણાવાયું છે કે, આ પ્રાણપ્રતિષ્ઠા ખોટી છે, કારણ કે તેના પર સનાતન ધર્મના આગેવાન શંકરાચાર્યો દ્વારા વાંધો ઉઠાવાયો છે. બીજું, પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતું નથી. 25મી જાન્યુઆરીએ પૂર્ણિમા છે. પૂર્ણિમા સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમો યોજાતા નથી. ત્રીજું, મંદિર હજુ નિર્માણાધીન છે. કોઈપણ દેવી-દેવતાની પ્રાણપ્રતિષ્ઠા અપૂર્ણ મંદિરમાં ન થઈ શકે. પૂર્ણ મંદિરમાં દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. ઉપરાંત કાર્યક્રમમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું સામેલ થવું બંધારણ વિરુદ્ધ છે, કારણ કે દેશનું બંધારણ ભાઈચારાને પ્રોત્સાહન આપનારું છે. આવા કાર્યક્રમોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી સામેલ થવાથી દેશના ભાઈચારાની ભાવનાને ઝટકો લાગશે, જે યોગ્ય નથી.
અરજદારના એડવોકેટે શું કહ્યું?
અરજદારના એડવોકેટ અનિલ કુમાર બિંદે કહ્યું કે, પીએમ મોદીના કાર્યક્રમ પર પ્રતિબંધ લાદવાની માંગ કરતી અરજી મંગળવારે દાખલ કરાઈ છે. હાઈકોર્ટ વહેલીતકે સુનાવણી કરી અરજી સ્વિકારે તેવો પ્રયાસ કરાશે.