VIDEO : જુઓ કેવું હશે અયોધ્યા એરપોર્ટ, મંદિર જેવી ડિઝાઈન, દીવાલો પર ભગવાન શ્રી રામના ચિત્રો અને કોતરણીવાળા થાંભલા

અયોધ્યામાં એરપોર્ટનું કામ અંતિમ તબક્કામાં, ડિસેમ્બરના અંત સુધીમાં થઈ જશે તૈયાર

રૂ.250 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા એરપોર્ટ પર જોવા મળશે મંદિર જેવી ડિઝાઈન

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
VIDEO : જુઓ કેવું હશે અયોધ્યા એરપોર્ટ, મંદિર જેવી ડિઝાઈન, દીવાલો પર ભગવાન શ્રી રામના ચિત્રો અને કોતરણીવાળા થાંભલા 1 - image

અયોધ્યા, તા.12 નવેમ્બર-2023, મંગળવાર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની ધાર્મિક નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન કરાશે. હાલ મંદિરનું બાંધકામ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે અયોધ્યામાં ઝડપી ગતિએ વિકાસ પણ થઈ રહ્યો છે. અયોધ્યામાં એરપોર્ટ (Ayodhya Airport) બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે, જેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. અયોધ્યા એરપોર્ટ પરથી ટુંક સમયમાં ઉડ્ડયન સેવા શરૂ થવાની સંભાવના છે. અયોધ્યા એરપોર્ટ બની ગયા બાદ અને અહીં ઉતર્યા બાદ તુરંત ભગવાન શ્રી રામના શરણે આવી ગયા હોવાનો અનુભવ થશે. એરપોર્ટની દિવાલો પર પ્રભુ શ્રી રામની જીવનશૈલીના 14 વિશેષ ચિત્રો દર્શાવાયા છે. આ ઈન્ટરનેશનલ વિમાની મથકે ટુંક સમયમાં ફ્લાઈટો પણ આવવાની શરૂ થઈ જશે.

એરપોર્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી ?

શ્રી રામ વિમાની મથકના જીએમ રાજીવ કુલશ્રેષ્ઠે જણાવ્યું કે, શ્રી રામ એરપોર્ટનું કામ અંતિમ તબક્કામાં છે. રનવે અને પાર્કિંગ સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, જ્યારે ભવનનું કામ અંતિમ તબક્કામાં છે. હાલ એરપોર્ટની શોભા વધારતી સુંરતાનું કામ ચાલી રહ્યું છે. ડીજીસીએની ટીમ નિરિક્ષણ કર્યું હતું. ટુંક સમયમાં ફ્લાઈટો શરૂ થવાની આશા છે. અયોધ્યા એરપોર્ટ પ્રભુ શ્રી રામના મંદિરના આધારે ડિઝાઈન કરાયું છે. અમારુ મંદિરના કાર્યોમાં યોગદાન એ અમારા માટે ગર્વની વાત છે. હાલ સંચાલનની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી સપ્તાહે એરપોર્ટના સંચાલન સાથે ડીજીસીએ પાસેથી લાઈસન્સ પણ મળી જશે. હાલ એરપોર્ટની તમામ ટેકનિકલ તપાસ કામગીરી ચાલી રહી છે અને તે 15 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી દેવાશે. અયોધ્યામાં ચાલી રહેલી કામગીરી અંગે જિલ્લાઅધિકારી નીતીશ કુમારે જણાવ્યું કે, ડીજીસીએની ટીમે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને ટુંક સમયમાં સંચાલનની મંજૂરી મળી જશે અને લોકો અયોધ્યાથી ફ્લાઈટની મુસાફરી કરી શકશે.

એરપોર્ટમાં રામ મંદિરની ઝલક

અયોધ્યા એરપોર્ટ લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે અને એરપોર્ટની ડિઝાઈનમાં મંદિર વાસ્તુકલાની નાગર શૈલી જોવા મળશે. અયોધ્યા એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાશે. એરપોર્ટમાં પણ રામ મંદિરની ઝલક જોવા મળશે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, અયોધ્યામાં બની રહેલા મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ કરવાનું કામ આ મહિનાના અંત સુધીમાં પુરું કરાશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, જાન્યુઆરીમાં શ્રીરામ નગરીમાં આવનારા ભક્તોના સ્વાગત માટે અયોધ્યા એરપોર્ટ તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે, મેં તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અયોધ્યા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ મહિનાના અંત સુધીમાં એરપોર્ટ સંપૂર્ણ તૈયાર થઈ જશે. આ પ્રોજેક્ટનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદઘાટન કરશે.

શ્રી રામલલાની 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા

ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં ભગવાન રામલલા (Ram Lala)ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જાહેર થઈ ગઈ છે. રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ વસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) ગઈકાલે આ અંગેની માહિતી આપી છે. મહાસચિવ ચંપત રાયે ગઈકાલે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ આમંત્રણ સ્વિકારવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નિર્ધારીત થઈ ગઈ છે.

લગભગ 8000 મહાનુભાવો હાજરી આપશે

પવિત્ર મંદિર જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ ખાસ કાર્યક્રમ માટે પ્રતિષ્ઠિત ક્રિકેટ જોડી ઉપરાંત લગભગ 8000 મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ લલ્લાની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ભારત રત્ન સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક વિશેષ હસ્તીઓ હાજરી આપશે.

અયોધ્યાના વિકાસમાં રેલવેની પણ મોટી તૈયારી

રેલવે મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે, અયોધ્યા રેલવે સ્ટેશન (Ayodhya Railway Station)ના પુનઃ વિકાસનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. 240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. જેમાં સ્ટેશનની ક્ષમતા હાલના પાંચ હજાર પેસેન્જરોથી વધારીને એક લાખ પેસેન્જર કરવામાં આવી રહી છે. અયોધ્યાના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પણ તેના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ભારે ભીડને જોતા રેલ્વે અયોધ્યા માટે મોટા પાયા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પણ યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે રેલ્વે એક અઠવાડિયામાં અયોધ્યા માટે 100 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી શકે છે. દેશના તમામ ઝોનને જરૂરિયાત મુજબ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બીજું, સ્ટેશનનો આગળનો દરવાજો અને આખો રવેશ રાજસ્થાનના ભરતપુરના બંસી પહારપુરના એ જ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ રામલલાનું મંદિર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં પ્રખ્યાત આ પથ્થરની ઉંમર પાંચ હજાર વર્ષથી વધુ હોવાનું કહેવાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની ચમક વધુ વધે છે.

સ્ટેશન આગળ અને પ્લેટફોર્મની બંને બાજુએ મંદિર જેવા 8 પિરામિડ

સ્ટેશન આગળ અને પ્લેટફોર્મની બંને બાજુએ મંદિર જેવા 8 પિરામિડ બનાવવામાં આવ્યા છે. સ્ટેશનના આગળના દરવાજામાં પ્રવેશતા જ લોકોને અયોધ્યા મંદિર જેવી જ ડિઝાઇન જોવા મળશે. સ્ટેશનના ગેટ પાસે ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે આગળના ગેટ પર ભગવાન શ્રી રામનો મુગટ બનાવવામાં આવશે. હાલમાં અયોધ્યા સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ છે, પરંતુ 422 કરોડ રૂપિયાના નિર્માણના બીજા તબક્કામાં તે છ પ્લેટફોર્મ સાથે બનાવવામાં આવશે. જેથી અહીંથી વધુને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બને. હાલમાં અયોધ્યા સ્ટેશનની દૈનિક ક્ષમતા માત્ર પાંચ હજાર મુસાફરોની છે. જોકે, બાંધકામ બાદ તેની ક્ષમતા પ્રતિદિન એક લાખ મુસાફરો સુધીની થવાની ધારણા છે. વાસ્તવમાં, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, ભારતીય રેલ્વે દેશભરમાં 1275 રેલ્વે સ્ટેશનોનું પુનર્નિર્માણ કરી રહ્યું છે. આમાં અયોધ્યા રેલવે સ્ટેશન પણ સામેલ છે.


Google NewsGoogle News