યુપીની ચૂંટણી પહેલા ભાજપની અખિલેશને ચેતવણી, કહ્યું- કોંગ્રેસની નજર તમારા મુસ્લિમ મતદારો પર
BJP Meeting In Lucknow : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે લખનઉમાં મહત્વની બેઠક યોજી છે. આ દરમિયાન યુપી ભાજપ (BJP)ના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી (Bhupendra Chaudhary)એ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન પર શાબ્દિ પ્રહારો કર્યા છે.
આ ચૂંટણી વિરોધીઓ અને રાષ્ટ્રભક્તો વચ્ચેની છે : ભૂપેન્દ્ર ચૌધરી
ચૌધરીએ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2024) વિરોધીઓ અને રાષ્ટ્રભક્તો વચ્ચેની છે. આગામી લડાઈ સ્વાર્થી, પરિવારવાદીઓ અને મોદી પરિવાર વચ્ચે છે. આ ચૂંટણી રાષ્ટ્ર વિરોધીઓ અને રાષ્ટ્રભક્તો, ધર્મ અને અધર્મ, તૃષ્ટીકરણ અને સંતુષ્ટીકરણ વચ્ચેની છે. ચૌધરીએ ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે, આપણે વિરોધીઓને સાફ કરી વર્ષ 2027ની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સુનિશ્ચિત કરવાની છે.’
કોંગ્રેસ અખિલેશને બરબાર કરી નાખશે
ચૌધરીએ કોંગ્રેસ (Congress) મુદ્દે સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના વડા અખિલેશને સાવધાન કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હું અખિલેશ યાદવ (Akhilesh Yadav)ને સાવધાન કરવા માંગું છું કે, કોંગ્રેસ ભસ્માસુર છે. એક દિવસ કોંગ્રેસ તમને જ બરબાર કરી નાખશે. કોંગ્રેસની નજર અખિલેશના મુસ્લિમ મતદારો પર છે અને કોંગ્રેસ હંમેશા પ્રાદેશિક પક્ષોના મતોના ભરોસે આગળ વધતી રહી છે.’
લોકસભા ચૂંટણી બાદ યોજાઈ પહેલી બેઠક
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની બેઠકો 2019ની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઘટી છે. પાર્ટીને 2019માં 62 બેઠકો મળી હતી, પરંતુ 2024ની ચૂંટણીમાં આ બેઠકો ઘટીને 33 થઈ છે. પાર્ટીના વોટ શેરમાં પણ 8.50 ટકાનો ઘટાડો થયો છે. આ જ કારણ છે કે, ભાજપ સતત પરિણામોની સમીક્ષા કરી રહ્યું છે. લખનૌમાં ચાલી રહેલી રાજ્ય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને અરુણ સિંહ હાજર છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ બેઠકમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4નાં મોત