ટ્રકની ટક્કરે જાનૈયાઓને લઈ જતી કારનો કચ્ચરઘાણ, અમેઠીમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 5 ઘાયલ
Uttar Pradesh Amethi Accident | શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તાજેતરના અહેવાલ ઉત્તરપ્રદેશના અમેઠી શહેરથી આવી રહ્યાં છે. જ્યાં મોડી રાતે એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકોના નામ જાહેર કરાયા
માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું તો કચ્ચરઘાણ થઈ ગયું હતું. ઈજાગ્રસ્તોમાં બેની હાલત એટલી ગંભીર છે કે તેમને તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરી દેવાયા હતા. સુલતાનપુરના દશ ઘર પારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કલા ગામથી શહેરી વિસ્તારમાં એક જાન આવી હતી. આ લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ પપ્પુ કશ્યપ, રુપક, બેટુ, દેવ, અભિષેક, પ્રદીપ, લક્ષ્ય પ્રતાપ સિંહ કાર વડે ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે જ અકસ્માત સર્જાયો હતો.
કેવી રીતે સર્જાયો?
પોલીસના જણાવ્યાનુસાર બાંદા-ટાંડા નેશનલ હાઈવે પર એસબીઆઈ બેન્ક નજીક આ સ્કોર્પિયો કારની ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ હતી. જેના લીધે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.જ્યારે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. કારમાં ફસાયેલા લોકોને હેમખેમ કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ રવાના કરાયા હતા.