'પહેલા વિધાનસભાની ખાલી 24 બેઠકો ભરો પછી પાકિસ્તાન...' યોગી સામે અખિલેશના શાબ્દિક બાણ
Akhilesh Yadav on CM Yogi Adityanath: 15મી ઑગસ્ટે દેશના 78મા સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં સપાના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, 'દેશની સરહદો અસુરક્ષિત છે. પાડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. દરરોજ આતંકી હુમલામાં જવાનોના જીવ જાય છે. આપણે વિચારવું પડશે કે સરહદો કેવી રીતે સુરક્ષિત કરવી. પાડોશી દેશમાં જે બન્યું છે તેના સંદર્ભમાં આપણા મુખ્યમંત્રી તેજ ગતિએ દોડી રહ્યા છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે આપણે આ મામલે આગળ આવવું જોઈએ. હવે તેઓ (યોગી આદિત્યનાથ) મુખ્યમંત્રી તરીકે વિદેશ નીતિ પર ભાષણ આપી રહ્યા છે.'
અખિલેશે યાદવે સીએમ યોગી સામે સાધ્યું નિશાન
સપાના વડા અખિલેશે યાદવે જણાવ્યું હતું કે, 'ભાજપે પહેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાલી પડેલી 24 બેઠકો ભરવી જોઈએ. પછી કોઈ અન્ય દેશ(પાકિસ્તાન)ના ભારતમાં વિલીનીકરણની વાત કરવી જોઈએ.' નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, 'પાકિસ્તાન કાં તો ભારતમાં ભળી જશે અથવા તો ઇતિહાસમાંથી હંમેશા માટે ભૂંસાઈ જશે. મહર્ષિ અરબિંદોએ 1947માં જ જાહેર કર્યું હતું કે પાકિસ્તાનની આધ્યાત્મિક દુનિયામાં કોઈ વાસ્તવિકતા નથી.'
કન્નૌજ દુષ્કર્મ કેસમાં ભાજપ પણ સામેલઃ અખિલેશ યાદવ
કન્નૌજ દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા નવાબ સિંહ યાદવનું નામ લીધા વિના અખિલેશ યાદવે કહ્યું કે, 'કલ્પના કરો કે ડીએમ-એસપી સન્માન કરી રહ્યા છે અને ધરપકડ પણ કરી રહ્યા છે, તેનો અર્થ એ છે કે ભાજપના લોકો સાથે તેઓ મિલીભગતમાં છે.'
અખિલેશે ગોમતીનગર ઘટના પર સરકારને ઘેરી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં ભૂતકાળમાં બનેલા બે મુદ્દાઓ પર ભાજપને ઘેરી હતી. સૌથી પહેલાં તેમણે પવન યાદવને લઈને સરકાર પર નિશાન સાધ્યું, જેની 31મી જુલાઈએ લખનઉના ગોમતી નગરમાં વરસાદ દરમિયાન હંગામા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'અધિકારીઓએ છોકરાને બળજબરીથી જેલમાં મોકલી દીધો જે તેના પિતાની દવા લેવા જઈ રહ્યો હતો અને તેનું અપમાન કર્યું. ખુરશી બચાવવામાં અધિકારીઓ રમત રમ્યા? તમે મુસ્લિમ-યાદવ છોકરાઓના નામ કહ્યા છે?' પોલીસે આ કેસમાં પહેલા પવન યાદવની ધરપકડ કરી હતી. વિધાનસભામાં સીએમ યોગી આદિત્યનાથે પણ આરોપીઓનું નામ લઈને સમાજવાદી પાર્ટીને ઘેરી હતી.