સંભલમાં મંદિર બાદ હવે 250 ફૂટ ઊંડી વાવ મળી, માટી હટાવી નક્શાના આધારે થશે તપાસ
Stepwell Found in Sambhal: ઉત્તર પ્રદેશના સંભલમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન ચંદૌસીમાં શનિવારે મહેસૂલ વિભાગે એક જમીનનું ખોદકામા કર્યું તો તેની નીચે વિશાળ વાવ મળી છે. હકીકતમાં, ચંદૌસીનો લક્ષ્મણ ગંજ વિસ્તાર 1857 પહેલાં હિન્દુ બહુમતિ ધરાવતો હતો. અહીં સૈની સમાજના લોકો રહેતા હતાં. પરંતુ, હવે અહીં મુસ્લિમ વસતી વધારે સંખ્યામાં છે. સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળ્યા બાદ DM ને એક ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, લક્ષ્મણ ગંજમાં પહેલાં બિલારીની રાણીની વાવ હતી.
ત્યારબાદ ડીએમએ તપાસનો આદેશ આપ્યો હતો. શનિવારે મહેસૂલ વિભાગથી નાયબ મામલતદાર ધીરેન્દ્ર સિંહ વિસ્તારના નકશાની સાથે ત્યાં પહોંચ્યા હતાં. જ્યારે બાબડી વસાહતની વચ્ચોવચ એક વિસ્તારનું ખોદકામ કરવામાં આવ્યું તો જમીનમાંથી પ્રાચીન ઈમારતો નીકળવાનું શરૂ થઈ ગયું.
મહેસૂલ અધિકારીએ શું કહ્યું?
નાયબ મામલતદારે જણાવ્યું કે, ખોદકામ દરમિયાન બે માળની ઈમારત જોવા મળી રહી છે. વાવ સિવાય કૂવો અને તળાવ પણ રેકોર્ડમાં નોંધાયેલો છે. અહીં એક ટનલ પણ નીકળી શકે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ વાવ ખૂબ વિશાળ દેખાઈ રહી છે, જે માટીના ઢગલામાં દબાઈ ગઈ હતી. હવે માટી દૂર કરીને તપાસ કરવામાં આવી રહી છે. આગળ પણ નકશાના આધારે તપાસ કરવામાં આવશે.
વળી, સંભલમાં ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) ની ટીમ શનિવારે કલ્કિ મંદિર પહોંચી હતી. સંભલમાં ASI ટીમ દ્વારા પાંચ અલગ-અલગ લોકેશનનો સરવે કરવામાં આવ્યો હતો, જેમાં 19 કૂવા અને 5 તીર્થ સામેલ હતાં. ASI ની ટીમે સંભલના કલ્કિ મંદિરમાં સ્થિત પ્રાચીન કૃષ્ણ કૂપનો સરવે કર્યો.
આ પણ વાંચોઃ સંભલ બાદ અહીં જર્જરિત હાલતમાં શિવમંદિર મળ્યું, હિન્દુઓની હિજરત, મુસ્લિમોની વસતી વધી
આ સિવાય, મંદિરની અંદર જઈને પણ મંદિરના પૂજારી સાથે સરવે કરવામાં આવ્યો. ટીમે મંદિરની અંદર બનેલા ગુંબજનો ફોટો ક્લિક કર્યો. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના કારણે ચૂપચાપ સરવે કરવામાં આવ્યો હતો. આ પહેલાં શુક્રવારે ASI ની ટીમ સંભલના લાડમ સરાય સ્થિત મંદિરમાં એક પ્રાચીન ઈમારતથી નીકળેલાં એક પથ્થરનો સરવે કરતાં કેમેરામાં કેદ થઈ હતી.