લખનઉ જેલમાં બંધ 36 કેદી મળ્યા HIV પોઝિટિવ, આરોગ્ય તપાસમાં ઘટસ્ફોટ થતા હોબાળો
ડિસેમ્બરમાં 3000થી વધુ કેદીઓનું એચઆઈવી સ્ક્રીનિંગ કરાયું હતું
જેલમાં અગાઉ 11 સંક્રમિત દર્દી હતા, કુલ સંખ્યા 47 પર પહોંચી
HIV Positive Prisoner in Lucknow Jail : લખનઉની જિલ્લા જેલના નવા 36 કેદીઓ HIV પોઝિટિવ હોવાની હોવાની પુષ્ટિ થયા બાદ ભારે હોબાળો મચ્યો છે. હાલ ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ સંક્રમિતોને દવાઓ અપાઈ રહી છે. સંક્રમણ ફેલાવાના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે ઉત્તર પ્રદેશ એઈડ્સ નિયંત્રણ સોસાયટીના આદેશ બાદ ડિસેમ્બર-2023માં જેલમાં એચઆઈવી સ્ક્રીનિંગ કરાવ્યું હતું, જેમાં 3000થી વધુ કેદીઓની તપાસ કરવામાં આવી હતી.
જેલમાં અગાઉ 11 દર્દી સંક્રમિત હતા
એઈડ્સ સ્ક્રીનિંગ બાદ નવા 36 કેદીઓ સંક્રમીત થયા હોવાની પુષ્ટી થઈ છે. જેલમાં અગાઉથી જ 11 દર્દીઓ સંક્રમિત હતા. હાલ આવા દર્દીઓની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના એન્ટી રેટ્રો વાયરલ થેરેપી (ART) સેન્ટર દ્વારા દવાઓ પુરી પડાઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે, કેદીઓ એચઆઈવી સંક્રમિત કેવી રીતે થયા?, તેની તપાસ કરવામાં આવીરહી છે. હાલ સંક્રમિતોની કાઉન્સલિંગ કરાઈ રહ્યું છે.
તમામ સંક્રમિત કેદીઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ
ઉત્તર પ્રદેશ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ.રમેશે કહ્યું કે, હાલ જેલમાં તપાસ માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે, જેમાં નવા 36 કેદીઓ એચઆઈવી પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે. જેલમાં અગાઉ બંધ 11 કેદીઓ સંક્રમિત હતા. તમામ સંક્રમિતોને દવાઓ પુરી પડાઈ રહી છે. ડૉક્ટરની ટીમ પણ દર્દીઓના આરોગ્યની દેખરેખ રાખી રહી છે.