ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ‘ચિંતાનો વિષય’, પ્રતિબંધ મૂકો : અમેરિકાની સરકારી એજન્સીની માગ

ભારત વિદેશમાં વિરોધીઓને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો અમેરિકી એજન્સી USCIRFનો દાવો

નવા રિપોર્ટમાં પન્નુ-નિર્જરની હત્યાનો ઉલ્લેખ, 2022માં ગૌહત્યા, ધર્મ પરિવર્તન, હિજાબ કાયદાનો કર્યો હતો ઉલ્લેખ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ‘ચિંતાનો વિષય’, પ્રતિબંધ મૂકો : અમેરિકાની સરકારી એજન્સીની માગ 1 - image

United States Commission on International Religious Freedom (USCIRF) Report-2023 : અમેરિકાની સરકારી એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું છે. એજન્સીના USCIRF-2023 નામના રિપોર્ટમાં ભારત પર પ્રતિબંધ લગાવવા સાથે દાવો કરાયો છે કે, ભારત વિદેશમાં રહેતા પોતાના વિરોધી વકીલો, કાર્યકર્તાઓ અને પત્રકારોને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીના કહેવા મુજબ ભારત સરકાર (India Government) વિદેશોમાં લઘુમતીઓને ટાર્ગેટ કરી રહી છે. ભારતમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલા થઈ રહ્યા છે, ત્યારે એજન્સીએ આ બાબતોને ટાંકીને ભારતને ‘વિશેષ ચિંતાના દેશો’માં સામેલ કરવાની ભલામણ કરી છે.

એજન્સીએ આતંકી પન્નુ અને નિજ્જરનો ઉલ્લેખ કર્યો

USCIRFના કમિશનર સ્ટીફન શ્નેકના જણાવ્યા મુજબ એજન્સીના રિપોર્ટમાં કેનેડા (Canada)માં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) પર હુમલાના પ્રયાસોનો ઉલ્લેખ કરાયો છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંને દેશોની નાગરિકતા છે. અમેરિકા પન્નુને શિખ એક્ટિવિસ્ટ માને છે. આ એજન્સીએ ગત વર્ષે પણ ભારતને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી. જોકે એજન્સીની વારંવાર માંગ છતાં જો બાઈડેન સરકારે (Joe Biden Government) ભારત પર કોઈપણ કાર્યવાહી કરી નથી. ભારત સ્થિત અમેરિકી દુતાવાસે પણ આ મામલે કંઈ કહ્યું નથી. તો બીજી તરફ ભારત પણ આવા આક્ષેપોને રદિયો આપતું રહ્યું છે.

ભારત લઘુમતીઓ સાથે ભેદભાવવાળી પોલિસી બનાવી રહી છે : 2022માં એજન્સીએ કર્યો હતો આક્ષેપ

2022 એજન્સીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર માત્ર રાષ્ટ્રીય જ નહિં રાજ્ય અને લોકલ સ્તરે પણ લઘુમતીઓ સાથે ભેદભાવ થાય તેવી પોલિસી બનાવી રહી છે. અમેરિકાના રિપોર્ટમાં ગૌહત્યા, ધર્મ પરિવર્તન અને હિજાબ વિરુદ્ધ બનાવેલા  કાયદાનો ઉલ્લેખ કરાયો હતો. આ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, આ કાયદાને કારણે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, દલિત અને આદિવાસીઓ પર નકારાત્મક અસર પડી છે. રિપોર્ટમાં એવું પણ દાવો કરાયો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વવાળી BJP સરકાર વિરોધીઓનો અવાજ દબાવી રહી છે. ખાસ કરીને પોતાના હકો માટે અવાજ ઉઠાવતા લઘુમતી સમુદાયના લોકોનો અવાજ દબાવી રહી છે.

એજન્સીના દાવા પર ભારતે શું કહ્યું ?

અમેરિકાની એજન્સીએ પ્રથમવાર 2020માં ભારત પર પ્રતિબંધ લાદવાની માંગ કરવાની ભલામણ કરી હતી. તે દરમિયાન ભારત સરકારે અમેરિકન એજન્સીના રિપોર્ટમાં પાયાવિહોણું ગણાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘USCIRF રિપોર્ટમાં વારંવાર ખોટી રીતે તથ્યો રજુ કરે છે.’


Google NewsGoogle News